Western Times News

Gujarati News

મેટ્રોના પૂર્વ-પશ્ચિમ ટ્રેકને રિવર બ્રિજથી જોડવામાં આવશે

અમદાવાદ: ૪૦ કિમી અંતરના અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-૧ના મહત્વના પૂર્વ-પશ્ચિમ રૂટને સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરીને જોડવાની કામગીરી એક વર્ષમાં પૂરી કરી દેવાશે. હાલ સાબરમતી નદીમાં પશ્ચિમ બાજુ આશ્રમ રોડ દિનેશ હોલથી પૂર્વમાં શાહપુર શંકરભુવન વચ્ચેના ૩૦૦ મીટર લાંબા બ્રિજના ફાઉન્ડેશનનું કામ લગભગ પૂરુ થવામાં છે.

અને હવે નદીમાં પિલર તૈયાર કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેટ્રોના પૂર્વના રૂટમાં કાલુપુરથી શાહપુર સુધીની ભૂગર્ભ ટનલનું કામ હમણા જ પૂરુ થયું છે.

હવે આ ભૂગર્ભ ટનલથી મેટ્રો રૂટને શંકરભુવનથી દિનેશ હોલ વચ્ચેના બ્રિજથી જોડવા માટે કામ શરૂ કરવામાં આવશે. આ માટે શંકરભુવનથી ભવન્સ કોલેજ તરફના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ એક વર્ષ કરતાં ઓછા સમયમાં પૂરો કરવાના હેતુ સાથે કામ થઈ રહ્યું છે. આ સિવાય અધિકારીઓએ તેમ પણ કહ્યું હતું કે, હાલ સાબરમતી નદીમાં પૂર્વ-પશ્ચિમ છેડાને જોડતા બ્રિજ માટે કુલ આઠ પિલર બનાવવામા છે, જેમાંથી પાંચનું કામ પૂરુ થઈ ગયું છે. બાકીના ત્રણનું કામ ચાલી રહ્યું છે એટલે કે દિનેશ હોલથી શંકરભુવન વચ્ચે એક પિલર સાબરમતી રિવરફ્રંચની જમીન પર બની ગયો છે

જ્યારે ચાર નદીમાં અંદાજે ૧૩ ફૂટ કરતાં વધુ ઊંડાઈના ફાઉન્ડેશન સાથે ઉભા થશે. ફાઉન્ડેશનનું કામ પૂરુ કરવામાં આવ્યું છે. હવે દિનેશ હોલ તરફથી પાણીમાં પિલર ઉભા કરાશે, સાથે દિનેશ હોલ તરફથી પ્રિ-કાસ્ટ સેગમેન્ટ ગોઠવવાની કામગીરી પણ હાથ ધરાશે. હાલ પશ્ચિમમાંથી પસાર થતી રેલવેલાઈન પરથી આ સેગ્મેન્ટ ગોઠવીને લોન્ટિંગ ગર્ડર દિનેશ હોલ સુધી પહોંચી ચૂકી છે. આ બ્રિજ માટે જરૂરી ૧૫૦ સેગ્મેન્ટમાંથી ૧૪૭ સેગમેન્ટ પ્રિકાસ્ટ કરીને સાઈટ પર લાવી દેવાયા છે એટલે આ કામ ઝડપથી આગળ વધશે.

મેટ્રો રેલ ફેઝ-૧માં ૬.૫ કિમીની લગભગ ૫.૫૮ મીટર વ્યાસની અપ-ડાઉન એમ બે જોડિયા ભૂગર્ભ ટનલની કામગીરી કોરોનાકાળ દરમિયાન ઓગસ્ટમાં પૂરી કરી દેવાઈ હતી.આ ટનલના ફિનિશિંગની સાથે-સાથે કાંકરિયા, કાલુપુર, ઘીકાંટા, શાહપુર સ્ટેશનોની સાથે ટનલના એરકંડિશનિંગ, વેન્ટિલેશન માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેટ્રો રેલના પ્રોજેક્ટને શક્ય એટલો ગ્રીન પ્રોજેક્ટ બનાવવાની દિશામાં એમઈજીએ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.