રિપબ્લિક ટીવીના માલિકો ‘મોસ્ટ વોન્ટેડ’ની યાદીમાં
મુંબઇ, મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવીના માલિકોને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદીમાં મૂકતાં 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં 10 જેટલા સાક્ષીનાં નિવેદન પણ ઉમેર્યાં હતાં.
ટીઆરપી કૌભાંડમાં મુંબઇ પોલીસે આ પગલું લીધું હતું. રિપબ્લિક મિડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશન સહિત કુલ છ ટીવી ચેનલ સામે પોલીસે ટીઆરપી કૌંભાડનો દોષનો ટોપલો ઢોળ્યો હતો. આ તમામ ચેનલ્સ પર પોલીસે છેલ્લાં બે વર્ષથી પૈસા ચૂકવીને ટીઆરપી વધારવાનો આક્ષેપ મૂક્યો હતો. એમાં પણ રિપબ્લિક મિડિયા નેટવર્ક અને ન્યૂઝ નેશનના માલિકોને પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં મૂક્યા હતા.
પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આ લોકોને આરોપી બનાવાયા હતા. રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક )એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા એવી ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલ્સ પૈસા આપીને ટીઆરપી વધારવાના ષડ્યંત્ર કરી રહી હતી.
વ્યૂઅરશીપ ડેટા મેળવવા ખાસ યંત્ર લગાડવાની જવાબદારી હંસાને સોંપવામાં આવી હતી. મુંબઇ પોલીસે એવો આક્ષેપ મૂક્યો હતો કે કેટલીક ટીવી ચેનલ દર્શકો વધારવા લાંચ આપી રહી હતી જેથી તેમની જાહેરખબરની આવકમાં વધારો થાય. આખુંય કૌભાંડ અચાનક બહાર આવ્યું હતું અને તરત પોલીસે પગલાં લીધાં હતાં.