કોરોનાની રસી આપવા દેશભરમાં મતદાન મથકની જેમ વેક્સિન મથક બનાવાશે
નવી દિલ્હી, કોરોના સામેની કોઈ વેક્સિન હજી બજારમાં નથી આવી પણ સરકારે પહેલા તબક્કામાં જ 30 કરોડ લોકોને વેક્સિન આપવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.
સરકારની પ્રાથમિકતા પહેલા કોરોના વોરિયર્સ, હેલ્થ વર્ક્સ અને સિનિયર સિટિઝનને વેક્સિન આપવાની છે અને આ સંખ્યા 30 કરોડ જેટલી થવા જાય છે.આ માટે નીતિ આયોગે જે યોજના નક્કી કરી છે તે પ્રમાણે દેશભરમાં મતદાન મથકની જેમ વેક્સિન બૂથ પણ બનશે અને તેમાં લોકોને વેક્સિન આપવામાં આવશે.
મંગળવારે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.નીતિ આયોગના સદસ્ય વી કે પોલ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ સંદર્ભમાં એક પ્રેઝન્ટેશન પણ બતાવાયુ હતુ.જેમાં વેક્સિન બૂથ માટે ટીમ બનાવાશે અને બ્લોક લેવલ પર વેક્સિન આપવાની રણનીતિ ઘડવામાં આવશે.સરકારી તેમજ ખાનગી ડોક્ટરોને આ અભિયાનમાં વિશેષ જવાબદારી આપવામાં આવશે અને આ પહેલા તેમને ટ્રેનિંગ પણ અપાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરલ અને રાજસ્થાનને આ માટે તૈયારી કરવા કહ્યુ છે.છેલ્લા એક સપ્તાહમાં આ રાજ્યોમાં મોતનો આંકડો વધી રહ્યો છે.બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહે પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ચેતવણી આપી છે કે, શિયાળા અને પ્રદૂષણના કારણે કોરોનાનુ જોર વધી શકે છે.