કન્ટેન્ટમેન્ટ ઝોનમાં માત્ર જીવનજરૂરી ગતિવિધિને જ મંજૂરી મળશે: સરકાર
પહેલીથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેનારી આ ગાઈડલાઈન અંતર્ગત કન્ટેનમેટ ઝોન્સમાં તમામ તકેદારીઓના પાલનની જવાબદારી સ્થાનિક તંત્રની
નવી દિલ્હી, ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો ઝડપથી વધ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ બુધવારે નવા દિશાનિર્દેશો બહાર પાડ્યા છે. કોરોના મહામારી ફેલાતી રોકવા માટે બહાર પડાયેલી આ નવી ગાઈડલાઈન ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી લાગુ રહેશે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં જીવન જરૂરી ગતિવિધિઓને જ મંજૂરી આપવામાં આવશે.
ગાઈડલાઈન મુજબ, કન્ટેનમેન્ટ ઝોન્સમાં બધી તકેદારીઓનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે. કન્ટેનમેન્ટ ઝોન્સની યાદી જિલ્લા કલેક્ટરો અને સંબંધિત રાજ્યોની વેબસાઈટ્સ પર મૂકવાની રહેશે. કેન્ટેનમેન્ટ ઝોન્સ માટે બનાવાયેલા નવા નિયમોનુ પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્થાનિક પોલીસ, નિગમ અને જિલ્લા તંત્રની રહેશે. રાજ્ય અન કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ આ અંગે અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવાની રહેશે.
નવી ગાઈડલાઈન્સ મુજબ, સિનેમા હોલ્સ, થિયેટર્સ, સ્વિમિંગ પૂલ વગેરેને લઈને પ્રતિબંધો ચાલુ રહેશે. સિનેમા હોલ હજુ પણ ૫૦ ટકા દર્શક ક્ષમતા સાથે ચાલશે. સ્વિમિંગ પૂલ્સનો ઉપયોગ માત્ર સ્પોર્ટ્સ પર્સનની ટ્રેનિંગ માટે જ કરી શકાશે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ, કોઈપણ કાર્યક્રમ પછી તે ધાર્મિક હોય, સામાજિક હોય કે સ્પોર્ટસનો હોય, મનોરંજન કે શૈક્ષણિક હોય, તેમાં ૨૦૦થી વધુ લોકો ભાગ નહીં લઈ શકે. સરકાર ઈચ્છે તો આ સંખ્યાને ૧૦૦ કે તેનાથી વધુ ઓછી કરી શકે છે.
રાજ્યોને પોતાને ત્યાંની સ્થિતિ મુજબ નાઈટ કર્ફ્યૂ જેવા ર્નિણય લેવાની છૂટ છે. જે શહેરોમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઉપર રહેશે, ત્યાં ઓફિસો, ફેક્ટરીઓ, દુકાનો વગેરેમાં વર્કિંગ અવર અલગ-અલગ સમય પર કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી એક જ સમયે વધુ કર્મચારીઓ ન આવે.
એક રાજ્યમાંથી બીજા રાજ્ય કે કોઈ રાજ્યની અંદર જ લોકો અને માલ-સામાનની અવર-જવર પર કોઈ રોક નહીં રહે. અવર-જવર કરવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી/ઈ-પરમિટની જરૂર નહીં પડે. વધુ જોખમવાલા લોકો જેવા કે ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, પહેલેથી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં સુધી તદ્દન જરૂરી ન હોય, તેમને બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા કહેવાયું છે કે, લોકો માસ્ક પહેરે, હેન્ડ સેનિટાઈઝ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. માસ્ક ન પહેરનારા પર રાજ્ય સરકાર પોતાના હિસાબે દંડ નક્કી કરી શકે છે. ભીડવાળા વિસ્તારો ખાસ કરીને બજારો, સાપ્તાહિક બજારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન પર નજર રાખે. જાહેર સ્થળો પર થૂંકવા પર દંડ લાગશે. જ્યાં સુધી શક્ય હોય વર્ક ફ્રોમ હોમ પર ભાર રહેવો જોઈએ.SSS