અમદાવાદમાં વધુ ૩૧ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે વધુ ૩૧ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને ૨૨૪ જેટલી થઈ ગઈ છે. નવા ૩૧ વિસ્તારના ૫૬૦૦ લોકોને કન્ટેનમેન્ટમાં રાખવામાં આવ્યા છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં ૧૯ હજાર જેટલા લોકોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, શહેરમાં કુલ ૨૦૩ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં હતા. જેમાંથી ૧૦ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે જ્યારે નવા ૩૧ વિસ્તારોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાંકન્ટેનમેન્ટ ઝોનમા સંખ્યા ૨૨૪ પર પહોંચી છે.
બુધવારે જે ૩૧ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે તેમાં નારોલ, વટવા, મણીનગર, બહેરામપુરા, દાણીલીમડા, ઈન્ડિયા કોલોની, જોધપુર, ગોમતીપુર, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, સ્ટેડીયમ, રાણીપ, નારણપુરા, નવરંગપુરા, સાયન્સ સિટી રોડ, બોડકદેવ, થલતેજ તેમજ ગોતાનો સમાવેશ થાય છે. શહેરમાં નવા ૩૧ વિસ્તારોમાં રહેતા ૫૬૦૦ લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના પગલે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કડક સાવચેતીના પગલા લેવામાં રહ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિક્વિઝિટ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ૧,૪૪૪ બેડ ખાલી છે. આ ખાનગી હોસ્પિટલોમાં છસ્ઝ્રના ક્વોટાના ૮૬૯ બેડ હાલની સ્થિતિએ ખાલી છે, જ્યારે પ્રાઈવેટ ક્વોટાના ૫૭૫ બેડ ખાલી છે. આમ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ ઘટતા નવા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટેની સુવિધા મળી રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.