વાડજમાં પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખી પતિનો છરી વડે હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ, વાડજમાં રહેતી એક મહીલાના ચારીત્ર્ય ઉપર શંકા રાખીને પતિએ ઝઘડો કર્યા બાદ છરી વડે હુમલો કરી દેતાં પત્ની લોહી-લુહાણ થઈ ગઈ હતી અને સારવાર કર્યા બાદ પત્નીએ પતિ વિરુધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે શીતલબેન (નામ બદલ્યું છે) મૂળ ઉત્તરપ્રદેશના છે અને હાલમાં ઉસ્માનપુરા ટીએનટીની ઓફીસની બાજુમાં આવેલી એક સોસાયટીમાં રહે છે. લગ્નના થોડા સમય બાદથી જ પતિ ભીમરાવ શીતલબેનના ચારિત્ર્ય પર શંકા રાખીને મારઝુડ કરતો હતો. એક મહીના અગાઉ પણ મોડી રાત્રે ભીમરાવે તેમને જગાડીને ખરાબ આક્ષેપો કરી મારઝુડ કરતાં પાડોશીઓએ તેમને છોડાવ્યા હતા.
બાદમાં બુધવારે સાંજે સાતેક વાગ્યે શીતલબેન તેમની પાડોશી મહીલાઓ સાથે બેઠી હતી ત્યારે ભીમરાવે મારી પત્નીનું અફેર છે અને તમે એનું સેટીંગ કરી આપો છો કહી તમામ સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી અને શીતલબેન કંઈ સમજે તે પહેલાં જ ભીમરાવે તેની પાસેથી છરી કાઢી હુમલો કરતા શીતલબેનના હાથે ઈજાઓ પહોચી હતી હુમલા બાદ ભીમરાવ ત્યાંથી ભાગી છુટયો હતો જયારે પાડોશી સ્ત્રીઓ તેમને દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જયાં સારવાર બાદ વાડજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS