૪ કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી
રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. તે તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મૃતકોના પરિવારજનોનો ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પોતાના સ્વજન ગુમાવ્યાના દુખથી પરિવારજનોએ રોકકળ મચાવી હતી.
જે સ્વજનને તેઓએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, તેમના આગથી બળેલા મૃતદેહો મળતા જ પરિવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ આગમાં સંજય રાઠોડ નામના દર્દીનું પણ મોત નિપજ્યું છે.
ત્યારે તેમના પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંજય રાઠોડના મોત બાદ તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. તેના પરિવારજનોએ કહ્યું કે, રાત સુધી તો બધુ સારું હતું.
સવારે ઓચિંતાનુ જ આવું થયું. રાત્રે સાડા આઠ વાગ્યે અમારી સંજય સાથે વાત થઈ હતી, ત્યારે તેણે કહ્યું હતું કે, બધુ સારું છે. સવારે અમે હોસ્પિટલમાં ગયા તો અમને મરેલો ફોટો બતાવીને પૂછે છે કે આ તમારા ભાઈ છે.
આવું કંઈ હોતુ હોય. આ તો હોસ્પિટલની બેદરકારી જ છે. હોસ્પિટલના સ્ટાફમાંથી તો કોઈને કંઈ જ થયું નથી, માત્ર દર્દીઓના જ મોત થયા છે. એનો મતલબ એ કે આગ લાગતા જ સ્ટાફ ભાગી ગયો હશે. તો સાથે જ એક સ્વજને રડતા કહ્યું કે, ૪ કરોડ આપે તો પણ મારી ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી. રાત્રે સાડા આઠ વાગ્યે મારી સાથે વાત કરી હતી. આગમાં એની હાલત કેવી થઈ હશે, તે કેવો મૂંઝાયો હશે.