‘કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ ગેરકાયદે હતી’: બોમ્બે હાઇકોર્ટ
મુંબઇ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડ કરી હતી અને એક્ટ્રેસે આને લઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે શુક્રવાર (27 નવેમ્બર)ના રોજ આ અરજી પર નિર્ણય આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસે BMCની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની ખંડપીઠે આ કેસનો ચુકાદો આપતાં કહ્યું હતું, ‘જે રીતે અહીં તોડફોડ કરવામાં આવી એ ગેરકાયદે હતી અને ફરિયાદીને કાયદાની મદદ ના મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.’
કોર્ટે ગેરકાયદે બાંધકામની BMCની નોટિસને પણ રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે અમે કોઈ પણ નાગરિક વિરુદ્ધ ‘મસલ પાવર’નો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકીએ નહીં. આ સાથે જ કંગનાને જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવાનું કહ્યું છે. કંગનાએ આ જીતને લોકશાહીની જીત ગણાવી હતી. કંગનાએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને આ વાત કહી હતી.
9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ના અનેક ભાગોને BMCએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા.