ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવનાર દર્દી “સાયલન્ટ સ્પ્રેડર” સાબિત થઈ રહ્યા છે
તંત્ર દ્વારા સમયસર ક્વોરેન્ટીન કરવામાં આવ્યા ન હોવાથી દર્દીના પરિવારજનો બેરોકટોક ફરતા હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો બાદ શરૂ થયેલ કોરોના “લહેર” સામે લડત આપવામાં તંત્ર હારી ગયું છે. કોરોનાના માત્ર ૨૮૦૦ એક્ટીવ કેસ હોવા છતાં દર્દીઓને અન્ય જિલ્લાઓમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં પણ સુસ્તી જાેવા મળે છે. ખાસ કરીને ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા બાદ પોઝીટીવ દર્દીઓની સારવાર અને હોમ ક્વોરેન્ટીન મામલે તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશને કોરોના પોઝીટીવ દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ.કર્યા છે તેવી રીતે શંકાસ્પદ દર્દીઓના પરીક્ષણ ઝડપી થાય તે આશયથી કેટલીક ખાનગી લેબોરેટરીને પરીક્ષણ કરવાની અનુમતિ આપી છે. ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવનાર પોઝીટીવ દર્દીને મ્યુનિ.ક્વોટાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા નથી. તેવી જ રીતે ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા બાદ પોઝીટીવ જાહેર થનાર દર્દીના પરિવારજનોને “હોમ ક્વોરેન્ટાઈન” કરવામાં પણ વિલંબ થાય છે તથા કેટલાક કિસ્સામાં તો હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવતા જ નથી.
તેથી પોઝીટીવ દર્દી અને તેના પરિવારજનો “સાયલન્ટ સ્પ્રેડર” બની રહ્યા છે. સ્વાઈન ફ્લુના કહેર સમયે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા તથા ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓની તમામ વિગત મનપાને નિયમિત મોકલવામાં આવતી હતી. તેવી જ રીતે ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા બાદ પોઝીટીવ જાહેર થનાર દર્દીઓની વિગત મ્યુનિ.આરોગ્ય વિભાગને નિયમિત મોકલી આપવામાં આવી રહી હોવાના દાવા થાય છે. પરંતુ તંત્ર દ્વારા હોમ ક્વોરેેન્ટાઈન તેમજ સારવાર માટે કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ ખાનગી લેબોરેટરી દ્વારા દરરોજ પોઝીટીવ દર્દીઓની યાદી મોકલવામાં આવે છે. જે તમામ ઝોનના ડે.હેલ્થ ઓફીસરને મોકલી આપવામાં આવે છે. પરંતુ વોર્ડ દીઠ થતા ટેસ્ટ અને પોઝીટીવ દર્દીઓની વિગતો અપડેટ કરવામાં ઘણો સમય લાગે છે. તેથી ખાનગી લેબોરેટરીની યાદી તરફ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તેવી જ રીતે એક નારીક બીજા વોર્ડમાં કે ઝોનમાં પરીક્ષણ કરાવે અને પોઝીટીવ કન્ફર્મ થાય તેવા સંજાેગોમાં તેના પરીવારજનોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં સમય લાગે છે જ્યારે કેટલાક કિસ્સામાં આંખ આડા કાન થતાં હોય છે. ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા બાદ પોઝીટીવ જાહેર થનાર દર્દીને સામાન્ય લક્ષણ હોય તેવા કિસ્સામાં દર્દી અને તેના પરિવારજનો “સાયલન્ટ સ્પ્રેડર” બની શકે છે.
સામાન્ય લક્ષણ હોવાથી પાડોશીઓને બિમારીનો અંદાજ આવતો નથી તેમજ મનપા દ્વારા હોમ ક્વોરેન્ટીન કરવામાં આવતા ન હોય તેવા સંજાેગોમાં દર્દીના પરિવારજનો બેરોકટોક ફરતા હોય છે. તેથી ખાનગી લેબોરેટરી સાથે માત્ર ટાઈ-અપ કરીને સંતોષ માનવાના બદલે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવે તે પણ જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.