Western Times News

Gujarati News

એસયુવીના ૦૦૭ નંબર માટે યુવકે ૩૪ લાખ ચૂકવ્યા

અમદાવાદ: અમદાવાદના એક શોખીન વાહન ચાલકે તેની નવી ખરીદેલી એસયુવી માટે ખાસ નંબર લેવા વિક્રમી રકમ ચુકવી છે. આશિક નામના આ શખ્સે ૦૦૭ નંબર ખરીદીને અમદાવાદ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)માં નવો ઈતિહાસ રચ્યો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ૨૮ વર્ષીય આશિક પટેલ ફેન્સી નંબર ૦૦૭ માટે ૩૪ લાખ રૂપિયા ચૂકવવાના છે. આશિક પટેલે ૩૯.૫ લાખ રૂપિયામાં નવી એસયુવી ખરીદી છે અને તેના માટે જ ૦૦૭ નંબર પણ ખરીદ્યો છે.

કોરોના કાળમાં જીવનની ગતિ ધીમી થઈ ગઈ છે ત્યારે ખપ પૂરતું વાપરવું એ નવો આર્થિક મંત્ર બની ગયો છે. આ સમયગાળામાં એક નંબર પાછળ નવું વાહન આવી જાય તેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે ત્યારે અમુક લોકો ચોક્કસ વ્યક્તિની સમજદારી પર પ્રશ્ન ઉઠાવે. જો કે, આશિક પાસે આ માટેના પોતાના જ કારણો છે.

ન્યૂ શાહીબાગમાં રહેતા આશિક પટેલે કહ્યું, મેં ૦૦૭ નંબર મારા પહેલા વાહન માટે લીધો છે અને તેનાથી મને એકાએક લાભ થયો છે. આ રૂપિયાની વાત નથી મારા વિશ્વાસની વાત છે. હું માનું છું કે આ નંબર મારા માટે શુકનિયાળ છે.
આશિકને તેમની ટોયોટા ફોર્ચ્યુનર માટે જીજે૦૧ડબલ્યુએ૦૦૭ નંબર ફાળવવામાં આવ્યો છે. ૨૩ નવેમ્બરની મધ્યરાત્રિએ આશિકને આ નંબર મળ્યો છે. આ નંબરની હરાજી માટેની બેઝ પ્રાઈસ ૨૫,૦૦૦ રૂપિયા હતી.

ઓનલાઈન હરાજી વખતે આ નંબર મેળવવા આશિક અને અન્ય એક બીડર (હરાજીમાં બોલી લગાવનાર) ચડસાચડસી શરૂ થઈ હતી. ગણતરીના જ કલાકોમાં ૨૫ લાખ સુધીની બોલી લાગી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.