Western Times News

Gujarati News

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થશે

Files Photo

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો વધુ ગગડી શકે છે. આ સાથે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કેરળમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. તો તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી વધી ૩૨.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી અને શનિવાર કરતાં ૨ ડિગ્રી વધીને ૧૬.૭ ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

જ્યારે આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની શક્યતાઓ છે. કેટલાક દિવસો પહેલાં કચ્છ જિલ્લાનું સરેરાશ લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીથી ઉપર રહ્યું હતું, પરંતુ શનિવારે અચાનક નલિયાનું તાપમાન ગગડીને ૧૦.૪ ડિગ્રીએ પહોંચી આવ્યું હતું. રવિવારે પણ તાપમાન આની આસપાસ જ રહ્યું હતું. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં તાપણાં કરવા ઉપરાંત સ્વેટર સહિતના ગરમવસ્ત્રો પહેરવાની લોકોને ફરજ પડી હતી. આ અંગે હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ દિવસ દરમ્યાન તાપમાનમાં ખાસ કંઇ ફેરફાર જોવા મળશે નહીં.

વરસાદની આગાહીની વચ્ચે દેશભરમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડી દસ વર્ષનો રેકોર્ડ તોડશે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્લી સહિત ઉત્તર ભારતના રાજ્યોએ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે.

જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. શ્રીનરમાં ઠંડીનો પારો માઈનસ ૧.૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુલબર્ગમાં ઠંડીનો પારો માઈનસ ૩.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.