કોરોના કાળમાં લગ્ન માટે દમણ સુરતીઓની પહેલી પસંદ
સુરત: કહેવાય છે કે, લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે. કદાચ એટલે જ ધરતી પર હાલ ચાલી રહેલી મહામારી પણ લગ્ન પ્રસંગો રોકી નથી શકી. ઓછાવત્તા અંશે સુરતી વર-વધૂને તો નથી જ રોકી શકતી. કોરોનાના વધતા જઈ રહેલા કેસો અને ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂના કારણે મોટા લગ્ન સમારંભોનું આયોજન ડાયમંડ સિટી સુરતમાં પડકારજનક બન્યું છે. એવામાં સુરતીઓ પ્રભુતામાં પગલાં પાડવા માટે કેંદ્રશાસિત પ્રદેશ દમણ તરફ જઈ રહ્યા છે. મારી હંમેશાથી ઈચ્છા હતી મારા લગ્ન ખૂબ ધામધૂમથી થાય. પરંતુ આ સુરતમાં શક્ય નથી, તેમ એન્જિનિયર અને ટેક્સટાઈલ બિઝનેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા ૩૪ વર્ષીય રાજેશે (નામ બદલ્યું છે) જણાવ્યું.
તેઓ ૩૦ નવેમ્બરના રોજ દમણના એક બીચ રિસોર્ટમાં લગ્ન કરવાના છે. કોરોના કાળમાં દમણના હોટલ અને રિસોર્ટ માલિકોને ખૂબ નુકસાન થયું છે ત્યારે લગ્નની સીઝન તેમના માટે આશાનું કિરણ બનીને આવી છે. દમણ હોટલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશનના સેક્રેટરી હર્ષ થાંગલે જણાવ્યું, દમણમાં રોજના સરેરાશ ૧૫ લગ્નો થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના બુકિંગ ગુજરાત સરકારે કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે સુરતમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કર્યા પછીના છે.
આ મેરેજ સીઝન અમારા માટે શુકનિયાળ સાબિત થઈ રહી છે. દમણ હોટલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશનનું માનવું છે કે, આ ટ્રેન્ડ ૧૫ ડિસેમ્બર સુધી રહેશે. દમણમાં નાઈટ કર્ફ્યૂ નથી ત્યારે મહેમાનો મોડી રાત સુધી એન્જોય કરી શકે છે.
દમણમાં બમણો લાભ થાય છે. મહેમાનો લાઈવ ડીજે, લગ્ન અને દારુ બધાની મજા લઈ શકે છે. જો કે, લગ્નમાં ૧૦૦ લોકોને જ આમંત્રિત કરવાની ગાઈડલાઈન દમણમાં પણ લાગુ કરાયેલી છે, તેમ હર્ષ થાંગલે જણાવ્યું. બીચ પર આવેલા એક રિસોર્ટના માલિક ગોપાલ ટંડેલે કહ્યું, ગુરુવારે એક જ દિવસે અમારા રિસોર્ટમાં ત્રણ લગ્ન પ્રસંગો યોજાયા હતા. ત્રણેય પરિવારો સુરતના હતા. માર્ચ મહિનામાં પહેલીવાર લોકડાઉન જાહેર થયું ત્યારથી બુકિંગ ૨૦ ટકાથી પણ ઓછું હતું કારણકે ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓ ટ્રાવેલિંગ ટાળી રહ્યા હતા.