Western Times News

Gujarati News

કોરોનાના પગલે ભરૂચમાં નહીં ભરાઈ માગશર માસનો મેળો

હનુમાનજી મંદિર અને સુલતાન બાવાની દરગાહ ખાતે આવતા હોય છે હજારો શ્રદ્ધાળુઓ.

ભરૂચમાં છેલ્લા ઘણા વર્ષથી ચાલ્યો આવતો કોઠા- પાપડીનો મેળો આ વર્ષે નહિ ભરાય અને તેનું કારણ છે કોરોના વાયરસનું સંક્રમણ.

શહેરના ભીડભંજન હનુમાન મંદિરના કોઠા પાપડીના મેળામાં શ્રધ્ધાળુઓ એક બીજા સાથે કોઠા લગાડવતાં હોય છે.

માગશર મહિનાના દર ગુરૂવારે મંદિરના પટાંગણમાં કોઠા અને પાપડીનું વેચાણ કરી અનેક લારીધારકો રોજી મેળવતા હોય છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
અતિપૌરાણીક અને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ મનાતા ભરૂચમાં માગશર માસના ગુરુવારે ભરાતા ભીડભંજનના કોઠા પાપડીના મેળામાં કોમી એકતાનો અનોખો સમન્વય જોવા મળે છે.શનિવારે પૂજાતા મારૂતિનંદન અહી ગુરૂવારે પૂજાય છે જેનું અનન્ય માહત્મ્ય રહેલું છે.પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે જેના પગલે લોકો એકત્ર ન થઈ શકે અને કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે માગશર માસનો મેળો નહિ ભરવા આયોજકોએ નિર્ણય લીધો છે.

ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલ આશરે ૫૦૦ વર્ષ અતિપુરાણા ભીડભંજન હનુમાનજીનું મંદિર અને બરાબર તેની સામે આવેલ સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ ખાતે માગશર માસના દર ગુરૂવારે હિંદુ-મુસ્લીમ એકતાના પ્રતિકસમા આ સ્થળે ધર્મના ભેદભાવ ભૂલી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

આ પૂર્વે આ વિસ્તારમાં આવેલ કૂવામાં હનુમાનજીની પ્રતિમા બિરાજમાન હતી.જ્યાં આજે એજ પ્રતિમાને પ્રસ્થાપિત કરીને મંદિર બનાવવામાં આવેલ છે.

જેની બાજુ માં બાળભૈરવી બિરાજમાન છે તો મંદિરના ગર્ભગૃહમાં નાના-મોટા સાત હનુમાનજી બિરાજમાન છે.વર્ષ દરમ્યાન શનિવારે અને મંગળવારે હનુમાન ભક્તો પૂજા અર્ચનામાં આવતા હોય છે.પરંતુ માગશર માસના દર ગુરૂવારે અહી વિશેષ મેળો વર્ષો થી ભરાતો આવ્યો છે.જેમાં ગુરૂવારે ભીડભંજન હનુમાનજીની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું હોય શ્રધ્ધાળુઓ વિશાળ સંખ્યા માં ઉમટતા હોય છે.

મેળાની પરંપરાગત ઉજવણી દરમ્યાન પોતાના મનની મુરાદ પૂરી કરવા તેમજ પોતાના સંતાનોની બાબરી ઉતારવા માટે શીતળા સાતમની જેમ ટાઢી ખોરાક આરોગવા સાથે શ્રદ્ધાળુઓ ભીડભંજન દાદાના મંદિરે તેમજ સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ પર ઢેબરા,ચણા,પાપડી,ફૂલહાર વિગેરે ચડાવતા હોય છે.અહી બીરાજતા સૈયદ પીર નવાબ સુલતાન બાવા અરબસ્તાન માંથી આવ્યા હોવાનું મનાય છે અને તે બાદ તેઓએ અહી સંધી લીધી હોવાનું કહેવાય છે અને સૈયદ પીર નવાબ સુલતાન બાવાનો ગુરૂવાર હોવાથી અહી માગશર માસમાં ગુરૂવારે મેળો ભરાય છે અને માનતા માને છે.

બંને ધાર્મિક સ્થળોની બહાર માગશર માસના ગુરૂવારે કોઠા,પાપડી,નાળીયેર,પ્રસાદી,ફૂલહાર વિગેરેની લારીઓ ખડકાયેલી રહે છે.આ મેળાની અન્ય પણ એક આગવી ઓળખ છે જેમાં મેળામાં આવતા કેટલાક શ્રદ્ધાળુઓ એકબીજાના હાથ માં કોઠા લઈ લડાવતા હોય છે.જેનું કોઠું તૂટી જાય છે તેને કોઠું આપી દેવું પડે છે જેમાં નાની મોટી શરતો પણ લગાડવામાં આવે છે.આમ ભરૂચના ભીડભંજનના મેળામાં કોમી એકતાના સંદેશ સાથે શ્રધ્ધા અને મનોરંજન પણ શ્રધ્ધાળુઓ મેળવતા હોય છે.

પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય અને લોકોની સુરક્ષાના ભાગરૂપે ભીડભંજન હનુમાન મંદિરના સંચાલકોએ માગશર મહિનામાં યોજાતા કોઠા પાપડીના મેળાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને ભીડભંજન હનુમાન મંદિર પણ માગશર મહિનામાં દર્શન માટે ભક્તો માટે બંધ રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.