બે ઘટના વિચારતા કરશેઃ કોરોના રેપીડ ટેસ્ટની વિશ્વસનીયતા કેટલી ?
સીવીલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના કહેરની વચ્ચે એન્ટીજન ટેસ્ટ અને તંત્રની બેદરકારી મામલે પણ સતત આક્ષેપ થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટની વિશ્વસનીયતા સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા છે. જ્યારે સીવીલ તંત્રની ભૂલના કારણે કોરોના નેગેટીવ દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન બનેલી બે ઘટનાના કારણે થઈ રહેલા આક્ષેપો સાચા સાબિત થઈ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં આસી.વોર્ડ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર રાઠોડનું કોરોનાના કારણે કરૂણ મૃત્યુ થયું છે. મૃતકના સીનીયર અધિકારીએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ હિતેન્દ્રકુમારને સનાથલ ચોકડી પાસે કોરોના ટેસ્ટીંગની સોંપવામાં આવી હતી. તે દરમ્યાન તેમને તાવ આવતા એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો તેથી સામાન્ય દવા લઈને કામ કરતા હતા. પરંતુ તાવ ચઢ-ઉતર થતો હોવાથી વધુ એક વખત રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ ઘરે તબિયત ખરાબ થતા ૧૦૮ દ્વારા સીવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં ઓક્સીજન લેવલમાં વધઘટ થતી હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. મ્યુનિ.કર્મચારીના મૃત્યુ બાદ રેપીડ ટેસ્ટની વિશ્વસનીયતા સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા છે.
સીવીલ હોસ્પિટલમાં દર્દીઓ તરફ પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી તેવા આક્ષેપો થતા રહે છે અને અધિકારીઓ તેને નકારતા રહ્યા છે. પરંતુ સીવીલ હોસ્પિટલની એક ઘટનાએ તમામને વિચારવા મજબુર કર્યા છે. અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજયભાઈ પટેલના જણાવ્યા મુજબ અસારવા વિસ્તારના પાંચીદાસ મહોલ્લામાં રહેતા ઈન્દીરાબેન જંયતીભાઈ પટેલે ૧૯ નવેમ્બરે અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં રીપોર્ટ કરાવ્યો હતો. તે દિવસે તેમનું ઓક્સીજન લેવલ ઓછું થતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી તેમને સીવીલ ૧૨૦૦ બેડની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો હોવા છતાં તેમને પોઝીટીવ દર્દીના વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ઈન્દીરાબેનનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાથી તેમના પરીવારજનોએ અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. પરંતુ હોસ્પિટલ સત્તાવાળા માન્યા ન હતા અને ૨૯ નવેમ્બરે તેમનું અવસાન થયું હતું. સીવીલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે ઈન્દીરાબેનનું મૃત્યુ થયું છે. તેઓ નેગેટીવ હોવાનો સ્વીકાર તેમના મૃત્યુ બાદ તબીબોએ કર્યાે હતો તથા પરીવારજનોને તેમનો મૃતદેહ સોંપ્યો હતો.