૫થી ૭ હજાર બેંકના કર્મચારીઓ કોરોના સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંક કર્મી સંક્રમિત થયા -કર્મચારીઓને કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવા માગ ઉઠી છે
અમદાવાદ, રાજ્યભરમાં કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે જેની સીધી અસર બેન્ક કર્મચારીઓ પર પણ જોવા મળી રહી છે. કોરોનાના બીજા રાઉન્ડમાં અંદાજે ૧ હજાર કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયને કર્યો છે
અને લૉકડાઉનથી અત્યાર સુધીમાં ૫થી ૭ હજાર કર્મચારીઓ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તેવામાં બેન્ક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ ઉઠી છે. દિવાળીના વેકેશન બાદ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે અને વધતા કેસોની સંખ્યાને લઈ રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે.
તેવામાં કોરોનાના આ બીજા રાઉન્ડમાં હવે રાજ્યની બેંકો પણ કોરોના હોટસ્પોટ બની રહી છે. સરકારી અને ખાનગી બેંકોમાં કોરોનાના કેસ વધ્યા છે. આ બીજા તબક્કામાં અંદાજે ૧ હજાર કર્મચારીઓ સંક્રમણના ભોગ બન્યા છે. કર્મચારીઓને પડી રહેલી આ મુશ્કેલીઓ મામલે મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયન આગળ આવ્યું છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના મહામંત્રી જનક રાવલે જણાવ્યું કે, અમદાવાદ અને ગુજરાતમાં બેંકોની શાખાઓ કોરોના હોટસ્પોટ બની રહી છે.
રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળી કુલ ૧૫ હજાર શાખાઓ છે. રોજે રોજ અલગ અલગ બેંકના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બેન્ક કર્મચારીઓ પોઝિટિવ હોય છે. હાલમાં બીજા રાઉન્ડમાં ૧ હજાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે અને જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા ૮ મહિનામાં ૫થી ૭ હજાર બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. અત્યાર સુધીમાં ૧૦થી ૧૨ કર્મચારીઓ મોતને પણ ભેટ્યા છે.
મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનની માંગ છે કે, બેન્ક કર્મચારીઓને કોરોના સામે પ્રોટેકશન પૂરું પાડવામાં આવે અને તેમને પણ કોરોના વૉરિયર જાહેર કરવામાં આવે. બેંકોમાં કોરોના સંક્રમણ ફેલાવા અંગે તેઓ જણાવે છે કે, બેંકોમાં કેશની લેવડ દેવડ અને ગ્રાહકોની ઇન્કવાયરી વધારે હોય છે. જેના કારણે બેન્ક ગ્રાહકોમાં સોશિયલ ડિટન્સ જળવાતું નથી. બેંકમાં લાંબા સમય સુધી કેશ અવર લેવડ દેવડ ઘટાડવામાં આવે અને મોટા ભાગની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે તો ચોક્કસ પણે કોરોના સંક્રમણ ઘટાડી શકાય.