દેઓલ પરિવારની ત્રણ પેઢી “અપને ૨”માં જોવા મળશે
મુંબઈ: ૨૦૦૭માં આવેલી ફિલ્મ અપનેથી ધર્મેન્દ્ર, બોબી અને સની દેઓલે દર્શકોના દિલ જીત્યા હતા. ત્યારે હવે દેઓલ પરિવારના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. દેઓલ પરિવાર અપને ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યો છે. ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મની ખાસ વાત એ બની રહેશે કે દેઓલ પરિવારની ત્રણ પેઢી જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલના દીકરા કરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સની દેઓલે આ ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું, બાબાજીના આશીર્વાદ અને તમારા સૌના પ્રેમના કારણે અમે ફરી એકવાર સાથે જોવા મળીશું. ફરી એકવાર મારા પિતા અને ભાઈ સાથે કામ કરવાની તક મળતાં ખુશ છું અને આ વખતે સાથે મારો દીકરો પણ છે. સની દેઓલના દીકરો કરણ જેણે ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ફિલ્મોમાં પગ મૂક્યો હતો તેણે પણ અપને ૨નો ભાગ હોવાની ખુશી વ્યક્ત કરી છે. કરણ પહેલીવાર પિતા, કાકા અને દાદા સાથે સ્ક્રીન શેર કરશે. અનિલ શર્માના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ અપને ૨નું શૂટિંગ આવતા વર્ષે માર્ચ મહિનાથી શરૂ થશે અને દિવાળી ૨૦૨૧માં રિલીઝ થશે.
આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે મુંબઈ અને લંડનમાં થશે. દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ આ વિશે વાત કરતાં કહ્યું, અપને મારા જીવનની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક છે. આખા યુનિટના સહિયારા પ્રયાસને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. હવે હું ખૂબ ખુશ છું કારણકે અપને ૨માં હું મારા દીકરાઓ સની, બોબી અને પૌત્ર કરણ સાથે શૂટિંગ કરીશ. આ ફિલ્મ ખૂબ ખાસ બની રહેશે અને હું શૂટિંગ માટે ઉત્સુક છું.
અપને ફિલ્મમાં ધર્મેન્દ્રએ પૂર્વ બોક્સર બળદેવ ચૌધરીનો રોલ કર્યો હતો. જે પોતાના કરિયર પર લાગેલો ડાઘ દીકરાઓ અંગદ અને કરણ (સની અને બોબી દેઓલના પાત્રોનું નામ)ની મદદથી દૂર કરવાની કોશિશ કરે છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ, વિક્ટર બેનર્જી અને દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં હતા.