આર્થિક ગણતરીમાં પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
આર્થિક ગણતરીના કામગીરીમાં સહકાર આપવા નાગરિકોને અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ
• દેશના આર્થિક વિકાસ માટેના લાંબાગાળાના આયોજનમાં આર્થિક ગણતરીના આંકડાઓ ઉપયોગી થશે
કેન્દ્ર સરકારના CSC e-Governance service India Ltd અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરીએ 7મી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આર્થિક ગણતરીમાં સૌ પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આર્થિક ગણતરીની આ કામગીરીમાં સહકાર આપવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
આ ગણતરી હેઠળ પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ નાગરિકો દ્વારા ખાત્રીપૂર્વક અને ચોક્કસ અને સાચા પૂરા પાડવામાં આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આર્થિક ગણતરી હેઠળ એકત્રિત કરવામાં આ માહિતીનો અભ્યાસ કરી રાજ્યના નીતિવિષયક આયોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.
આ આર્થિક ગણતરી પરથી દેશમાં કયા પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે, કયા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે વગેરે જેવી વિગતો એકઠી કરવામાં આવશે, જેનો ઉપયોગ રાજ્યના આર્થિક વિકાસ માટે થતાં લાંબાગાળાના આયોજનમાં થશે.આર્થિક ગણતરી માટે આપના ત્યાં આવતા ગણતરીદાર/સુપરવાઈઝરને નાગરિકો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના માહિતી પૂરી પાડે તે અપેક્ષિત છે.