Western Times News

Gujarati News

તાપી જિલ્લાના નેતા કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયંત્રણનો ભંગ

પૂર્વ ધારાસભ્યએ પૌત્રીના લગ્નમાં ૬૦૦૦ને ભેગા કર્યા
સુરત,  આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યું છે.

આ ચાર શહેરોમાં તો રાત્રિ દરમિયાન લગ્નનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાં જ જો કોઇ લગ્નમાં લોકો માસ્ક વગર હોય અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ત્યાં અધિકારીઓ પહોંચી મસમોટો દંડ પણ ફટકારી રહ્યા છે. જેનો પ્રથમ કિસ્સો સુરતમાં પણ બન્યો હતો.

બીજી તરફ કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભાજપ નેતા દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ ૬૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા.

તાપી જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ લગ્નમાં ૬૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યા હતા. કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઇએ તેટલી સામાન્ય સમજણ પણ પૂર્વ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાંતિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

આ લગ્ન સમારંભમાં લોકો માસ્ક વગર જ ફરી રહ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ તો સહેજ પણ જળવાયું ન હતું. જોકે સ્થાનિક પોલીસે પણ આટલી મોટી સંખ્યામાં લોકો અહિં એકઠા થયા છતા તેમની સામે કોઇ પગલા ભર્યા ન હતા. આ લગ્ન સમારંભમાં સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની ગઇ હતી. અને લોકોએ સીધે સીધુ કોરોના મહામારીને આમંત્રણ આપ્યું હતું.
મહત્વની વાત તો એ છે કે, પૂર્વ ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકોની સેવા કરવી જોઇએ અને કોરોના મહામારી જેવા કપરા સમયમાં આ વાયરસ વધારે ફેલાય નહી તેવું કામ કરવા જોઇએ.

ત્યારે ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જ હજારો લોકોના જીવ સાથે ચેડા કર્યા તે ખુબ જ મોટી લાપરવાહી ગણી શકાય. રાજ્યમાં કોરોના મહામારીનું સંંક્રમણ ખુબ જ વધી ગયું છે, ત્યારે તબીબો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે, ઘરમાં કોઇ મોટા આયોજનો કરવા નહી તેમજ બને એટલું કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ. ત્યારે કાંતિ ગામિત જેવા નેતાઓ તબીબોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.