Western Times News

Gujarati News

પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા

બનાસકાંઠા: રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રોડ પર બેફામ ગતિએ વાહન હંકારવાને લઈને થતાં અકસ્માતમાં જાનહાની વધી રહી છે. મંગળવારે સાંજે પાલનપુર-આબુ હાઇવે ઉપર સાંઈબાબાના મંદિર થયેલા એક અકસ્માતમાં ત્રણ પિતરાઈ ભાઈઓનાં નિધન થયા છે.

અહીં આબુરોડ તરફથી આવતી એક ફોર્ચ્યુનર કારે ડિવાઈડર કૂદીને હાઇવેની સામેની બાજુએ આવી રહેલી કાર અને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં સામેની કારમાં સવાર ત્રણ નિર્દોષ પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણેય મૃતકો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના પિતરાઈ ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ આશાસ્પદ યુકવોનાં મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડર કૂદીને આવેલી કારની ટક્કરથી મૃતકો સવાર હતા તે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બીજી તરફ ફોર્ચ્યુનિર કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ફોર્ચ્યુનર કાર મુંબઈમાં પાર્સિગ થયેલી છે, જ્યારે પીડિતો સવાર હતા તે કાર અમદાવાદ આરટીઓ કચેરી ખાતે નોંધાયેલી છે. બનાવની વિગતે વાત કરીએ તો પાલનપુર-આબુ રોડ પર મલાણાના પાટિયા પાસે રાજસ્થાન તરફથી આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

જે બાદમાં કાર ડિવાઇડર કૂદીને સામેથી આવી રહેલા એસન્ટ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એસન્ટ કારમાં સવાર ત્રણ પિતરાઈ ભાઈઓનાં મોત થયા હતા. ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકો ગેરેજમાં કામ કરતા હતા. એક જ પરિવારમાં ત્રણ ત્રણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ અકસ્માતમાં બે ઘાયલ લોકોને સારવાર માટે પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમચાાર મળતા જ પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ટોળાં ઉમટી પડ્યા હતા. મૃતકોમાં ૧) સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૧), વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૨) અને હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૨)નો સમાવેશ થાય છે.

રાત્રે થયેલા અકસ્માત બાદ રોડ પર આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવકો ગેરેજમાં કામ કરીને રાત્રે કાર લઈને પોતાના ગામ પરત આવી રહ્યા હતા. કરજા રામપુરા ગામના યુવકો પાલનપુર ખાતે ગેરેજમાં કામ કરતા હતા. કામ પરત કરીને ત્રણેય કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા. જોકે, યુવકોને ક્યાં ખબર હતી કે હાઇવે પર કાળ તેમની રાહ જોઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.