જેલમાં બંધ નારાયણ સાંઈને માતાને મળવાની મંજૂરી મળી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે પેરોલ મંજૂર કર્યા છે. નારાયણ સાંઈ પોતાને ભગવાનનો અવતાર માનનારા આસારામનો દીકરો છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણના પેરોલ મંજૂર કર્યા છે. ડિસેમ્બર ૨૦૧૩માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે પહેલીવાર જેલની બહાર આવી રહ્યો છે. નારાયણે હાઈકોર્ટમાં પેરોલ માટે પાછલા અઠવાડિયે અરજી કરી હતી, જેમાં તેણે કેદીના અધિકારની વાત કરી હતી. પોતાની માતાને ગંભીર બીમારી હોવાની કોર્ટમાં તેણે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની માતાનું હૃદય ૪૦% જ કામ કરી રહ્યું છે જેથી તે તેમને મળવા માગે છે.
નારાયણની અરજી પર સુનાવણી કરીને એએસ સુપેહિયાએ કેદીના અધિકારોને ધ્યાનમાં રાખીને ૫,૦૦૦ના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા છે. દુષ્કર્મના કેસમાં નારાયણ સુરતની લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામના જૂના ભક્ત પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પીડિત યુવતીની બહેને આસારામની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી
જેની સામે ગાંધીનગર કોર્ટમાં આસારામ, તેની પત્ની અને દીકરી સામે કેસ ચાલી રહ્યો છે. પાછલા મહિને આસારામે ૧૦ દિવસના જામીનની માગણી કરી હતી કે જેથી તે પોતાની બીમાર માતાને મળી શકે. તેણે એવી પણ માગણી કરી હતી કે તેને જામીન મળે તો તે સાધના કરી શકે અને પોતાના પિતા અને આધ્યાત્મિક ગુરુ આસારામને મળી શકે, આસારામને પણ દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેસની સજા સંભળાવવામાં આવી છે.