જાહેર રજામાં પોળોના જંગલમાં પ્રવાસીઓને પ્રવેશ નહીં મળે
ગાંધીનગર: વિજયનગરના પોળોમાં જાહેર રાજાના દિવસે પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરના અંતર્ગત શનિવાર અને રવિવાર અને જાહેર રજાના દિવસે બહારથી આવતા પ્રવાસીઓને પોળોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વિજયનગર પોલો ફોરેસ્ટ ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હોય છે. સ્થાનિક રહિસો અને સરકારી કર્મચારીઓ માટે લાગુ નહિ પડે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના બીજા વેવમાં અજગર ભરડો લેવાઈ ગયો છે. અમદાવાદ શહેર સૌથી વધુ પ્રભાવિત છે અને વિજયનગરમાં અમદાવાદના પ્રવાસીઓ પણ આવતા હોય છે. શાળાઓમાં પણ રજાનો માહોલ હોવાથી પરિવાર સાથે લોકો મોટી સંખ્યામાં પોળોના જંગલોની મજા માણવા જઈ રહ્યા હતા.
દરમિયાન સરકારની ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાની રાવ ઉઠી હતી તેવામાં અગમચેતીના પગલાં રૂપે કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે જેથી અહીંયાથી એકઠાં થતા લોકો દ્વારા સ્પ્રેડ વધે નહીં.
દરમિયાન સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાત પણ કોરોનાથી બેકાબૂ બની રહ્યું છે ત્યારે સરકારે લાદેલા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં માસ્ક વિના ફરતા બે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ હાઈકોર્ટે કરતાં ગુજરાત સરકાર દોડતી થઇ ગઇ છે. વિજય નગર પોળોના જંગલમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા રમણીય સ્થળ તરીકે વિકાસ કરી અને તેનો ખૂબ પ્રસાર કરવામાં આવ્યો છે.
હાલમાં ડિસેમ્બર મહિનામાં અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે તેવામાં કલેક્ટરના જાહેનામાના કારણે પ્રવાસીઓની સંખ્યા પર કાબૂ આવે તેવી શક્યતાઓ છે. તો જે લોકોએ અગાઉથી જ પ્લાન બનાવી રાખ્યો હશે તેમના પ્લાન પર પણ પાણી ફરી વળ્યું છે.