ભારતી અને હર્ષ ફરી જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે છે
મુંબઈ: ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના રાઈટર-એક્ટર પતિ હર્ષ લિંબાચિયાના જામીન રદ્દ કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂઆત કરી છે. ઉપરાંત નીચલી અદાલતના આદેશને ફગાવીને ભારતી અને હર્ષને કસ્ટડીમાં રાખીને તેમની પૂછપરછ કરવા દેવાની પણ મંજૂરી કોર્ટ સમક્ષ માગી છે.
આ મામલે કોર્ટે મંગળવારે ભારતી અને હર્ષને નોટિસ મોકલી છે. આગામી અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
જ્યાંથી તેમને કુલ ૮૬.૫ ગ્રામ ગાંજો અને ૧.૪૯ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કલાકોની પૂછપરછ બાદ ૨૧ નવેમ્બરે સાંજે ભારતી સિંહની ધરપકડ થઈ હતી. જ્યારે ૨૨ નવેમ્બરે વહેલી સવારે હર્ષ લિંબાચિયાની ધરપકડ થઈ હતી. જો કે, ૨૩ નવેમ્બરે ૧૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર કોર્ટે ભારતી અને હર્ષને જામીન આપ્યા હતા.
જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અગાઉ કોર્ટ પાસે ભારતીની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. કોર્ટનું કહેવું હતું કે, ભારતી અને હર્ષ પાસેથી મળેલા ગાંજાની માત્રા ખૂબ ઓછી છે. આ કેસ ડ્રગ્સના ઉપયોગનો છે માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જે કલમો હેઠળ બંનેની ધરપકડ કરાઈ છે તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે, માટે રિમાન્ડ જરૂરી નથી. જ્યારથી હર્ષ અને ભારતી જામીન પર મુક્ત થયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.
ભારતી અને હર્ષ પણ ટ્રોલર્સને વળતો જવાબ આપી રહ્યા છે. મંગળવારે અમુક ટ્રોલર્સ ડ્રગ્સ લેવા બદલ હર્ષને ટ્રોલ કર્યો હતો જેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. જે બાદ મંગળવારે ભારતીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ હર્ષ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. કેપ્શનમાં કોમેડિયને લખ્યું હતું,
કેટલીક વખત તમારી નબળાઈ જોવા નહીં તમે કેટલા મજબૂત છો તે જાણવા માટે તમારી પરીક્ષા થાય છે. મારી શક્તિ, મારી તાકાત, મારો બેસ્ટફ્રેન્ડ, મારો પ્રેમ એકમાત્ર હર્ષ લિંબાચિયા. આઈ લવ યુ હબી.
દરમિયાન એવી અફવા પણ ફેલાયેલી છે કે, ડ્રગ્સ કેસમાં સપડાયા બાદ ભારતી સિંહને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવી છે. જો કે, આ મામલે હજી સુધી ભારતી સિંહ કે શોના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.