ઇતિહાસમાં પહેલીવાર નોર્થ બ્લોકમાં મિડિયા પર પ્રતિબંધ
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીમાં આવેલા નોર્થ બ્લોકમાં મિડિયા પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો હતો. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાણાં, ગૃહ વગેરે મંત્ર્યાલયો આવેલાં છે.
અગાઉ આ પ્રતિબંધ માત્ર નાણાં ખાતાં પૂરતો હતો. હવે સંપૂર્ણ નોર્થ બ્લોકને આવરી લેતો પ્રતિબંધ જાહેર કરાયો હતો. સરકારે એવી જાહેરાત કરી હતી કે બજેટ તૈયાર થઇ રહ્યું છે એની વિગતો લીક ન થાય એટલા માટે આ પ્રતિબંધ જાહેર કરાયો હતો.
જો કે આ પ્રતિબંધ માત્ર ત્રણ માસનો છે. ડિસેંબરથી 2021ના ફેબ્રુઆરીની આખર સુધી આ પ્રતિબંધ રહેશે એવી જાહેરાત પણ કરાઇ હતી.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઇબી) તરફથી અપાતા ઓળખપત્રો એક્રેડિટેશન કાર્ડ તરીકે ઓળખાય છે. દસ હજારથી પંચોતેર હજાર સુધીનો ફેલાવો ધરાવતા કોઇ પણ અખબાર સાથે છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતા હોય અથવા પંદર વર્ષથી ફ્રી લાન્સર હોય એવા પત્રકારોની ચકાસણી કર્યા બાદ પીઆઇબી આવાં કાર્ડ આપે છે. જો કે એનું કોઇ સ્પેશિયલ સ્ટેટસ નથી પરંતુ સરકારી કાર્યાલયો કે વિધાનભવન યા સંસદની બેઠકમાં હાજરી આપવા જવામાં આ કાર્ડ ઉપયોગી નીવડે છે.