ઉત્તરાયણ પર કોરોનાની અસર જાેવા મળી શકે છે
સુરત: ભારતમાં ચાલુ વર્ષના માર્ચ મહિનાના અંતથી કોરોના વાયરસનો ખતરો વધ્યા બાદ સ્કૂલો, ઓફિસો, ધંધા, રોજગાર વગેરે બંધ થયા આ પછી જે કાર્યક્રમોમાં કોઈને આમંત્રણ નથી અપાતું અને આપોઆપ ભીડ થઈ જતી હોય તેવા તહેવારો પર પણ પાબંદીઓ લગાવવી પડી હતી કે જેથી કોરોના વાયરસ વકરે નહીં. દિવાળી દરમિયાન જોવા મળેલી ભીડની અસર કોરોના વાયરસના કેસમાં જોવા મળી હવે ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે જેને દોઢ મહિનાનો સમય બાકી છે
પરંતુ જે પ્રકારની તૈયારી પાછલા વર્ષોમાં જોવા મળે તેવી તૈયારી આ વર્ષે જોવા મળી રહી નથી. વાત સુરતની કરીએ તો અહીં મોટા પ્રમાણમાં ઉત્તરાયણના પતંગ-દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ વર્ષે કોરોનાના કારણે પતંગ-દોરીના વ્યવસાયમાં પણ અસર જોવા મળશે. જે પ્રમાણે દિવાળી પછી ઉત્તરાયણના વ્યવસાયની તૈયારીઓ શરુ થાય તેના કરતા આ વર્ષે કોરોનાના કારણે બધું બદલાયું છે.
સુરતમાં પતંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી જણાવે છે કે આ વખતે કોરોના વાયરસની અસર ઉત્તરાયણના તહેવાર પર પણ જોવા મળી રહી છે. એક વેપારીએ એમ જણાવ્યું છે કે, “આ વર્ષે પાછલા વર્ષની સરખામણીમાં પતંગના પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો છે. કાચા માલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.
હજુ પણ લોકો કોરોના વાયરસથી ડરી રહ્યા છે. આ ડરની અસર પતંગ-દોરીના ધંધા પર પડશે તેવું વેપારીઓનું માનવું છે. પતંગ-દોરીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને પાછલા વર્ષ કરતા કાચા માલ પાછળ ખર્ચો વધી રહ્યો છે માટે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં વધારો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળી પછી દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો હતો.
જેના પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. બુધવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો ગુજરાતમાં ૧૫૧૨ નવા કેસ નોંધાયા છે અને વધુ ૧૪ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો ૨,૧૨,૭૬૯ થઈ ગયો છે. સુરતની વાત કરીએ તો અહીં ગઈકાલે ૨૦૪ અને અમદાવાદમાં ૩૦૨ નવા કેસ નોંધાયા છે.