ખેડૂતો અને સરકારની વચ્ચે આઠ કલાકની મેરેથોન બેઠક અનિર્ણિત
એમએસપીને નહીં સ્પર્શવાનું સરકારનું આશ્વાસન: કાયદો રદ કરવા સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગ પર ખેડૂતો અડગ: ૮ દિવસથી ચાલતા આંદોલન ઉપર રાજકારણ ગરમાયું, પંજાબના મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા
નવી દિલ્હી, ખેડૂત આંદોલન પર ખેડૂત નેતાઓ અને સરકારની વચ્ચે આઠ કલાક ચાલેલી બેઠક આજે પણ અનિર્ણિત રહી છે. જે સાથે ખેડૂતોને આંદોલન સમેટવા સમજાવવા માટે પાંચમી ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે. એક બાજુ વાટાઘાટોનો દોર જારી છે ત્યારે તેના પર રાજકારણ તેજ થઈ ગયું છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે તો બીજી બાજુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના સમર્થનમાં પદ્મ વિભૂષણ સમ્માન પરત કર્યું છે. ખેડૂતો કૃષિ કાયદાઓને રદ કરવાની માગ કરી રહ્યા છે.
પંજાબ સહિત દેશના અનેક રાજ્યોમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ અને સરકારની વચ્ચે બેઠકને સાત કલાકથી વધુનો સમય વિતી ગયો છે. ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં સરકાર સંસદનું એક વિશેષ સત્ર બોલાવે અને નવા કૃષિ કાયદાઓને ખતમ કરવાની માગ કરી છે. તો બીજી બાજુ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક દરમિયાન નેતાઓને જવાબ આપ્યો છે કે ન્યૂનતમ સમર્થન મુલ્ય એટલે કે એમએસપીને સ્પર્શ નહીં કરાય, એમાં કોઈ બદલાવ નહીં થાય. આ મેરાથોન બેઠક દરમિયાન લંચ બ્રેકમાં ખેડૂત નેતાઓએ સરકારની મહેમાનગતિ મંજૂર કરી નહીં અને પોતાનું ભોજન મંગાવીને જમ્યા. ખેડૂત નેતાઓ માટે ભોજન સિંધુ બૉર્ડરથી સફેદ રંગની એમ્બ્યુલન્સમાં પેક થઈને આવ્યું હતુ.
સિંધુ બૉર્ડર પર લાગેલા લંગરથી ખેડૂતો માટે ભોજન આવ્યું હતુ. ખેડૂત નેતાઓએ પહેલા જ મન બનાવી લીધું હતુ કે સરકારનું ભોજન સ્વીકાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો છેલ્લા ૮ દિવસથી દિલ્હી બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો કૃષિ કાયદાને પાછો ખેંચવાની વાત કરી રહ્યા છે. તો સરકાર ખેડૂતોને સમજાવવામાં લાગી છે. સરકારના જવાબ બાદ ખેડૂત નેતાઓએ પૂછ્યું કે સરકાર આખરે કેમ ગોળ-ગોળ ફરી રહી છે. સરકાર અને ખેડૂત નેતાઓની બેઠક બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ. ખેડૂતો તરફથી એમએસપી પર પોતાની માંગ રાખવામાં આવી. ખેડૂતોએ પોતાના તરફથી ૧૦ પાનામાં તમામ માંગો અને વાંધાઓ રજૂ કર્યા.આ ૧૦ પાનામાં ૫ મુખ્ય મુદ્દા છે. એપીએમસી એક્ટમાં ૧૭ પોઇન્ટ પર અસહમતિ છે. એસેંશિયલ કમોડિટી એક્ટમાં ૮ પોઇન્ટ પર અસહમતિ છે. આ ઉપરાંત કૉન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ૧૨ પોઇન્ટ પર અસહમતિ છે.SSS