ખેડૂતોનું આંદોલન આજે ૯મા દિવસે ચાલુ, દિલ્હી હેરાન પરેશાન
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગુરુવારે ચોથા રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં અને ખેડૂતોનું પ્રદર્શન આજે પણ ચાલુ છે. લગભગ સાડા સાત કલાક ચાલેલી બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોની વાત ધ્યાનથી સાંભળી છે
અને હવે ૫ ડિસેમ્બરે આગામી રાઉન્ડની વાતચીત થશે. આ બાજુ ખેડૂતોએ કહ્યું કે સમાધાન ન નીકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોના પ્રદર્શનના કરાણે દિલ્હીના હરિયાણા અને ઉત્તર પ્રદેશ સંલગ્ન જોડાયેલા વિસ્તારોમાં આજે પણ ટ્રાફિક જામ રહી શકે છે.
કારણ કે દિલ્હી સાથે જોડાયેલી સરહદો આજે પણ બંધ રહેશે. સિંઘુ બોર્ડરથી યુપી ગેટ સુધી દિલ્હીના બહારના ભાગોમાં મોટી સંખ્યામાં ખેડૂતોનો હજુ પણ જમાવડો છે અને હવે દેશના અન્ય રાજ્યોથી પણ ખેડૂતો ત્યાં પહોંચવા લાગ્યા છે. ટ્રાફિક પોલીસે બોર્ડરથી મુસાફરી કરનારા લોકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની સલાહ આપી છે. કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગુરુવારે સાડા સાત કલાક વાતચીત ચાલી. જે નિરુત્તર રહી. ખેડૂતો ૩ નવા કાયદા પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે.
જ્યારે વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશે કહ્યું કે ૫-૬ મુદ્દાઓ પર વાતચીત થઈ. આ સાથે જ આશા વ્યક્ત કરી કે શનિવારે થનારી આગામી રાઉન્ડની વાતચીતમાં કઈક તો ઉકેલ આવી જશે. ૫ તારીખે થનારી બેઠક પહેલા શુક્રવારે એટલે કે આજે ખેડૂતોની ૧૧ વાગે સવારે મહાબેઠક થશે. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ગુરુવારે થયેલી બેઠકમાં સરકાર તરફથી મંત્રીઓમાંથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હતા તો ખેડૂતો તરફથી ૪૦ પ્રતિનિધિઓ સરકાર સાથે વાતચીત કરી રહ્યા હતા. આ ૪૦ નેતાઓને સરકાર સતત સમજાવતી રહી પરંતુ તેઓ પોતાની માગણી પર અડીખમ હતા.
ગુરુવારે ખેડૂતો અને સરકાર સાથે જે વાતચીત થઈ તે ભારે ભરખમ રહી. બપોરે ૧૨ વાગે સંવાદ શરૂ થયા બાદ ખેડૂતોએ સરકાર સામે ૧૦ પાનાનો એક ડ્રાફ્ટ રજુ કર્યો હતો. જેમાં સરકારી મંડીઓ એટલે કે એપીએમસી કાયદાના ૧૭ પોઈન્ટ પર તેમની અસહમતિ હતી. આ બાજુ જરૂરી વસ્તુઓ એટલે કે એસેન્શિયલ કોમોડિટી કાયદાના ૮ પોઈન્ટ પર તેમની અસહમતિ હતી. જ્યારે કોન્ટ્રાક્ટ ફોર્મિંગના ૧૨ પોઈન્ટ પર તેમની નારાજગી હતી.
સરકાર ખેડૂતોને સતત સમજાવી રહી છે કે કૃષિ કાયદામાં તેમની ખુશીઓની ચાવી પણ છે અને ખેડૂતો કહે છે કે ના. આ પટારો ખુલ્યો તો બરબાદી સિવાય કઈ નહીં મળે. ખેડૂતોએ જે ડ્રાફ્ટ રજુ કર્યો તેમાં મૂળત્વે ૭ મોટી માગણીઓ રજુ કરાઈ.
ખેડુતોની સાત માગણીઓમાં વાત અટકી છે તેમાં સૌથી મોટી માગણી એ છે કે સરકાર નવા કૃષિ કાયદા તરત રદ કરે, એમએસપીને ખેડૂતોનો કાનૂની અધિકાર બનાવવામાં આવે, ખેતી માટે ઉપયોગમાં આવતા ડીઝલને ૫૦ ટકા સસ્તુ કરવામાં આવે, સ્વામીનાથન રિપોર્ટને લાગુ કરવામાં આવે, જેમાં કહેવાયું છે કે ખેડૂતોને તેમના ખર્ચ પર ૫૦ ટકા વધુ ભાવ મળે, આત્મહત્યા કરનારા ખેડૂતોને સરકાર પાસેથી આર્થિક મદદ મળે, ખેડૂતો પર લાગેલા તમામ કેસ પાછા ખેંચાય, દેશભરમાં જે પણ ખેડૂત નેતાઓની ધરપકડ કરાઈ છે તેમને તત્કાળ છોડી મૂકવામાં આવે.