આદિત્ય-શ્વેતા ૩ -૪ મહિના બાદ નવા ઘરમાં શિફ્ટ થશે
મુંબઈ: સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે ૧ ડિસેમ્બરના રોજ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને આદિત્ય અને શ્વેતાએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં મર્યાદિત મહેમાનોને જ આમંત્રણ અપાયું હતું.
મંગળવારે લગ્ન બાદ બુધવારે શ્વેતા અને આદિત્યનું રિસેપ્શન યોજાયું હતું. કપલના લગ્ન અને રિસેપ્શનની તસવીરો તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્ન બાદ આદિત્યએ પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પણ શેર કરી છે.
જો કે, હવે આદિત્યના લગ્નનો એક અજાણ્યો કિસ્સો સામે આવ્યો છે. આદિત્યએ હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં લગ્ન દરમિયાન થયેલી દુર્ઘટનાની વાત કરી છે. આદિત્યએ આ ક્ષણને પોતાના લગ્નની સૌથી યાદગાર ક્ષણ ગણાવતા કહ્યું, મારે મારા મિત્રનો પાયજામો પહેરવો પડ્યો હતો. શ્વેતાને વરમાળા પહેરાવતી વખતે મને ઊંચકવામાં આવ્યો હતો એ વખતે મારો પાયજામો ફાટ્યો હતો. માટે ફેરા પહેલા મેં મારા ફ્રેન્ડનો પાયજામો પહેર્યો હતો. નસીબજોગે મારા ફ્રેન્ડનો અને મારા શરીરનો બાંધો એક જેવો છે એટલે તકલીફ ના પડી.
આ ઘટના એક તરફ રમૂજી તો બીજી તરફ શું થશે એવું ટેન્શન થઈ જાય તેવી છે. આદિત્ય નારાયણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વરમાળાનો વિડીયો શેર કર્યો હતો. જે તેના ફ્રેન્ડે એડિટ કરેલો છે. આ સિવાય વરમાળોને બીજો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે એમ પણ જણાવ્યું છે કે, ૩-૪ મહિના બાદ તે શ્વેતા સાથે અંધેરીમાં ખરીદેલા નવા ઘરમાં શિફ્ટ થઈ જશે.
આદિત્યના જણાવ્યા અનુસાર તેનું આ ૫બીએચકે અપાર્ટમેન્ટ તેના પેરેન્ટ્સના ઘરથી ત્રણ બિલ્ડિંગ જ દૂર છે. આદિત્યએ પોતાના હનીમૂન પ્લાન્સ પણ જણાવ્યા છે. આજકાલ ઘણા સેલેબ્સ માલદીવ્સમાં વેકેશન માટે જઈ રહ્યા છે ત્યારે આદિત્યએ જણાવ્યું કે તે ત્યાં નથી જવાનો. હનીમૂન વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, “શિલિમ, સુલા વાઈનયાર્ડ્સ અને ગુલમર્ગ. આ ત્રણ સ્થળોએ નાના-નાના વેકેશન માટે જઈશ. મારે દર અઠવાડિયે શૂટિંગ માટે મુંબઈ પરત આવવાનું હોવાથી અમે આ રીતે તબક્કાવાર હનીમૂનનું પ્લાનિંગ કર્યું છે.