હું ખેડૂતો તેમજ પંજાબના લોકોની સાથે : કંગના રનૌત
મુંબઈ: ખેડૂત આંદોલનમાં સામેલ થયેલા વૃદ્ઘ મહિલાને સીએએ પ્રોટેસ્ટના બિલકિસ બાનો બતાવ્યા બાદ બી-ટાઉન એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે. ચારેતરફથી નિંદાઓનો સામનો કરી રહેલી કંગનાના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસે ટિ્વટર પર કેટલીક ટ્વીટ કરીને કહ્યું છે કે, તે ખેડૂતોની સાથે છે અને તે પહેલા પણ ખેડૂતોના શોષણ અને સમસ્યાઓ સામે અવાજ ઉઠાવતી આવી છે.
કંગના રનૌતે ખેડૂત આંદોલનમાં સામેલ થયેલા પંજાબના મહિંદર કૌર માટે ખરાબ શબ્દો વાપર્યા હતા અને કહ્યું હતું કે આંદોલન કરનારા ખેડૂતો રાજનીતિ કરી રહ્યા છે. જે બાદ બોલિવુડના કેટલાક સેલેબ્સે તેના ટ્વીટ્સ અને વલણને વખોડ્યો હતું. એક દિવસ પહેલા કંગના અને સિંગર-એક્ટર દિલજીત દોસાંજ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ છેડાઈ ગયું હતું. હવે એવું લાગે છે કે, કંગનાએ પોતાની સફાઈમાં ટ્વીટ કર્યા છે. કંગનાએ ટ્વીટમાં લખ્યું છે કે, હું ખેડૂતોની સાથે છું. ગયા વર્ષે એગ્રોફોરેસ્ટ્રીને મેં સક્રીય રીતે પ્રમોટ કર્યું હતું અને મેં તેના માટે ડોનેશન પણ આપ્યું હતું. હું ખેડૂતોના શોષણ અને તેમની સમસ્યાઓ પ્રત્યે અવાજ ઉઠાવતી આવી છું.
મેં આ સેક્ટરની સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે પ્રાર્થના કરી છે, જે હવે આખરે રિવોલ્યુશનરી બિલ દ્વારા થવા જઈ રહી છે. બીજી ટ્વીટમાં તેણે લખ્યું છે કે, આ બિલ ખેડૂતોના જીવનને વધારે સારું બનાવીને ઘણી રીતે બદલાવા જઈ રહ્યું છે. હું તેમની બેચેની અને અફવાઓથી તેમના પર પડેલી અસરને સમજી શકું છું.
પરંતુ મને વિશ્વાસ છે કે, સરકાર તમામ આશંકાઓનું સમાધાન કરશે, પ્લીઝ ધીરજ રાખો. હું આપણા ખેડૂતો અને પંજાબના લોકોની સાથે છું. જેઓ મારા દિલમાં ખાસ જગ્યા ધરાવે છે. ત્રીજા ટ્ટીટમાં કંગનાએ કહ્યું કે, ‘આખા દેશના ખેડૂતોને વિનંતી છે કે, કોઈ કોમ્યૂનિસ્ટ/ખાલિસ્તાની, ટુકડે ગેંગને તમારા આંદોલનને હાઈજેક ન થવા દેતા. લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, અધિકારીઓ સાથેની વાતચીતમાં રિઝલ્ટ આવી રહ્યું છે. હું તમામને શુભકામના આપું છું અને આશા રાખું છું કે, દેશમાં ફરી એકવાર શાંતિ અને વિશ્વાસનું વાતાવરણ બનશે.