ચક્રવાતી વાવાઝોડું તામિલનાડુથી 40 કિમી દૂર, 5 જિલ્લામાં એલર્ટ
તામિલનાડુ, બંગાળની ખાડીમાંથી શરૂ થયેલું બરવી વાવાઝોડું ભારતના દક્ષિણ તટ સુધી પહોંચી ગયું છે. ચક્રવાતી વાવાઝોડું અત્યારે તામિલનાડુના રામનાથપુરમથી 40 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 6 કલાકમાં ટુથુકુડી, તિરુનેલવેલી, કન્યાકુમારી, કુડ્ડુલોર અને પુડુચેરી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આગામી 6 કલાકમાં રામનાથપુરમ અને ટુથુકુડીને ક્રોસ કરશે. આ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ત્યાર પછી વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે.
જોકે આ દરમિયાન કેરળના 10 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તિરુવનંતપુરમ એરપોર્ટ પર આજે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનાં ઓપરેશન્સ રોકી દેવામાં આવ્યાં છે.
હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં નહીં જવા અલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત જેઓ સમુદ્રમાં ગયેલા છે તેમને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાત્રિથી જ પવનની ઝડપ તેજ થઈ જશે. એ પ્રતિ કલાક 45-65 કિમી થઈ જશે. કોમોરિન એરિયા, મન્નારની ખાડી અને તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ તટ એની ઝપેટમાં આવી જશે.
પ્રશાસને જણાવ્યું હતું કે નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની ડાઈવિંગ અને રિલીફ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બે નેવી શિપ અને એરક્રાફ્ટ તહેનાત કરવામાં આવ્યાં છે. ગુરુવારની રાતે વાવાઝોડું રામેશ્વરમથી પસાર થયું અને એને કારણે અમુક હોડીઓને ભારે વરસાદ અને હવાના કારણે નુકસાન થયું છે.
એક સપ્તાહની અંદર બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવનારું આ ત્રીજું વાવાઝોડું છે. 23 નવેમ્બરે અરબ સાગરમાંથી ગતિ વાવાઝોડું આવ્યું હતું. એ સોમાલિયા નદી કિનારે અથડાયું હતું. 25 નવેમ્બરે બંગાળની ખાડીમાંથી આવેલું નિવાર વાવાઝોડું પુડુચેરીને અથડાયું હતું.