ટ્રાયલના 14 દિવસ પછી હરિયાણાના મંત્રી કોરોના પોઝિટીવ
નવી દિલ્હી, હરિયાણાના ગૃહમંત્રી(સ્વાસ્થ્ય મંત્રાલયનો પોર્ટફોલિયો) અનિલ વિજ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે પોતે આ અંગેની માહિતી આપી હતી. એવું પણ કહ્યું હતું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવી લે. વિજ નવેમ્બરમાં કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં સામેલ થનારા પહેલા વોલન્ટિયર હતા.તો આ તરફ ભારતબાયોટેકે કહ્યું કે, કોવેક્સિન ક્લીનિકલ ટ્રાયલ બે ડોઝ શિડ્યુઅલ પર આધારિત છે. જે 28 દિવસના અંતરમાં આપવામાં આવે છે.
આ વેક્સિનની અસર બીજા ડોઝના 14 દિવસ પછી ખબર પડશે. બંને ડોઝ લીધા પછી જ કોવેક્સિનની અસર થાય છે. બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે કોવેક્સિનના બે ડોઝ પૈકી અનિલ વીજે પ્રથમ ડોઝ જ લીધો હતો.
કોરોના સામે લડવા માટે ભારત બાયોટેકે કોવેક્સિન બનાવી છે, જેની હાલ દેશમાં ટ્રાયલ ચાલી રહી છે. ત્રીજી ટ્રાયલ 20 નવેમ્બરે શરૂ થઈ હતી. આ ફાઈનલ તબક્કામાં વિજને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મંત્રી વિજે આ ટ્રાયલ માટે પોતે વોલન્ટિયર બનવાની પહેલ કરી હતી. તેમને કો-વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હતો, પણ આ પહેલાં જ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા.