પોલીસ કર્મચારી પગાર ઓછો લાગતા આખરે બૂટલેગર બન્યો

અમદાવાદ: નિકોલમાં અસલી પોલીસ બુટલેગર બની હોવાની ઘટના સામે આવી છે. ઓઢવ પોલીસે દારૂનો વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ કરી છે. ત્રણ પોલીસ કર્મીઓએ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સરકારી પગાર ઓછો પડતા પૈસા કમાવવા બૂટલેગર બન્યા હોવાનું સામે આવ્યું છે. તસ્વીરોમાં દેખાતા આ બન્ને શખ્સો દારૂનો ધંધો કરે છે. પહેલી નજરમાં બૂટલેગર હોવાનું લાગશે પરતું આ જાણી આશ્ચર્ય થશે કે આ બન્ને નિકોલ પોલીસ સ્ટેશન પોલીસના કોન્સ્ટેબલ છે.
રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી કરતા હતા. પરતું લોકડાઉન દરમિયાન પોલીસે ચેકિંગ કરતા આ પોલીસ કર્મચારીઓ ભાંડો ફૂટ્યો હતો.
જેમાં પોલીસ કોન્સ્ટેબલ હિતેષ પટેલ બિયરની બોટલના જથ્થા સાથે ઝડપાતા આ ત્રિપુટીનો પર્દાફાશ થયો હતો. આરોપી પોલીસ કર્મી હિતેષ પટેલની ધરપકડ થતા આ રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ બન્ને ફરાર થઈ ગયા હતા. છ મહિના બાદ પોલીસે બાતમીના આધારે બન્ને ઝડપી લીધા છે.
દારૂ કેસમાં અગાઉ પકડાયેલ પોલીસ કર્મી હિતેષ પટેલ અને રણજીતસિંહ, યુવારજસિંહ નિકોલ પોલીસ સ્ટેશન ડિસ્ટાફમાં ફરજ બજાવતા હતા.
પોલીસની ફરજ દરમિયાન તેઓને લાગ્યું કે કમાણી તો દારૂના ધધામાં છે અને તેઓ પોલીસમાંથી બુટલેગર બની ગયા હતા. આ ત્રિપુટી કાયદાના ડર વગર દારૂની હેરાફેરી કરતા હતા. ત્યારે જે તે સમયના ઝોન-૫ ડીસીપી રવિ તેજાના ધ્યાન પર આ ત્રિપુટી આવતા ત્રણેની બદલી હેડ ક્વાર્ટરમાં કરી દેવામાં આવી હતી.
છતાં પણ ત્રિપુટી દ્વારા દારૂ નો વેપલો શરૂ રાખવામાં આવ્યો હતો અને લોકડાઉનમાં ચેકિંગ દરમિયાન આ ત્રિપુટી ગેંગનો ભાંડો ફૂટ્યો હતો.
જે બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. એક બાજુ કાયદાના રક્ષક બની ફરજ બજાવતા અને પૈસા કમાવવા બુટલેગર બનીને કાયદાનો દુરઉપયોગ કરતા ત્રણેય પોલીસ કર્મી જેલના સળિયા પાછળ ધકેલાયા છે. આ કિસ્સો સાબિત કરે છે કે કાયદો દરેક ગુનેગાર માટે એક જ હોય છે.