પતિને પત્નીની જ ફોઈની દીકરી સાથે પ્રેમ થઈ ગયો
અમદાવાદ: વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી પતિએ પત્નીની જ ફોઈની દીકરી સાથે ઇલુ ઇલુ શરૂ કરી નાખ્યું હતું. બાદમાં પત્નીની ફોઈની દીકરી સાથે લગ્ન કરવા પતિએ ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા દબાણ કરી ત્રાસ ગુજારતા પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વટવામાં રહેતી ૩૩ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૦૮માં સાબરમતીના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે સંતાનને જન્મ આપી આ યુવતી હાલ તેના પિયરમાં રહે છે.
લગ્ન બાદ યુવતીનો પતિ ઓમાન નોકરી માટે ગયો હતો. તાજેતરમાં ઓકટોબર માસમાં જ યુવતીનો પતિ વિદેશથી પરત આવ્યો હતો અને તેણે આ યુવતીને જણાવ્યું કે, કોરોના ચાલતો હોવાથી તે વિદેશથી આવ્યો છે તેથી તેને ક્વોરોન્ટાઇન કર્યો છે. બાદમાં યુવતીના પતિએ આ કારણથી કહ્યું કે, તે તેની બહેનના ઘરે રહેવા જતી રહે. જેથી યુવતી જતી રહેતા તેનો પતિ સરખી રીતે તેની સાથે વાતો કરતો ન હતો.
યુવતીને તેના પતિ પર શક થતા તે ત્યાં પહોંચી અને જાેયું તો તેનો પતિ પત્નીની જ ફોઈની દીકરી સાથે પ્રેમભરી વાતો વીડિયો કોલથી કરતો હતો. આ બાબતે યુવતીએ તેના સસરાને પતિની આ હરકત વિશે જણાવ્યું અને બાદમાં સમાધાન થયું હતું. યુવતીનો પતિ અવાર નવાર ડૉકટર પાસે જવાનું બહાનું કરી તેની પત્નીની ફોઈની દીકરીને મળવા જતો અને ડૉકટર પાસે આવવાનું પત્ની કહે તો ના પાડી દેતો હતો. એક દિવસ વાડજ ખાતે ફોઈની દીકરી રિચાને મળવા આ યુવતીનો પતિ ગયો તો તેને રંગેહાથ પકડ્યો હતો. બાદમાં રિચા સાથે લગ્ન કરવાનું કહી ડિવોર્સ પેપર પર સહી કરવા દબાણ કરી ત્રાસ ગુજારતા આ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.