કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદ સ્વામીનો ૨૧૩મો દીક્ષાદિન ઉજવાશે
તા. ૮ – ૧ર – ર૦ર૦ ને મંગળવાર ના રોજ કારતક વદ – આઠમ ના રોજ સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌના ઉપરી તરીકે સ્થાપેલ શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના ર૧૩ મા દીક્ષાદિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં રાત્રે ૯ – ૦૦ વાગ્યાથી online કરવામાં આવશે.આ પ્રસંગનો દેશ વિદેશના સત્સંગીઓ લાભ લઈ શકે તે માટે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે.
શ્રી ગોપાળાનંદસ્વામી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જીવન પર્યત સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને રર વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધ્યાન થયા પછી સત્સંગને સાચવ્યો છે.અઢારમી સદીમાં જનસમાજની ઉર્ધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહયું છે. તેમણે બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને ધૂળમાં પોતાનું આખું આયખું ઘસી નાંખ્યું છે.
આ સમગ્ર જહેમતમાં સહજાનંદ સ્વામી પછી સૌથી વધુ ફાળો તેમના સંતમંડળના ગોપાળાનંદ સ્વામીનો રહયો છે. અને એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો – હરિભકતો – આચાર્યો સર્વેના અધ્યક્ષ તરીકે શ્રી ગોપાળાનંદ સ્વામીને નિમ્યા હતા.અને તે સર્વએ તેમની આજ્ઞામાં રહેવું એમ સૌને આજ્ઞા કરી હતી.આ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત્ ૧૮૩૭ ની મહા સુદ – આઠમ ને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું. યુવાનવયે તેમણે પોતાનું જીવન સમાજના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. સંવત્ ૧૮૬૪ ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું હતું. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ