નવરંગપુરામાં રીલાયન્સ મોલનાં કેશીયરે ૪ લાખ રૂપિયાની ઉચાપત કરતાં ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, નવરંગપુરામાં આવેલા રીલાયન્સ સ્માર્ટ મોલના હેડ કેશીયરે બે દિવસના કલેશનના રૂપિયા ચાર લાખથી વધુની રકમ બેંકમાં ભરવાને બદલે બારોબાર અંગત વપરાશમાં લઈ જતા મોલ મેનેજરે તેના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત એવી છે કે નવરંગપુરા રેલવે ક્રોસીંગ પાસે રીલાયન્સ સ્માર્ટ મોલ આવેલો છે તેના મેનેજર સતીષ પાસવાન (બોપલ) કેટલાંક દિવસ અગાઉ તેમના મોલમાં ઓડીટ ટીમ આવવાની હોવાથી તમામ હિસાબો તપાસી રહયા હતા એ વખતે તેમને રૂપિયા ચાર લાખની ભુલ જણાઈ હતી. આ અંગે તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. દરમિયાન ઓડીટ ટીમ આવતા સતીષભાઈ તથા હેડ કેશીયર જીગ્નેશ જાદવ (ઈંડીયા કોલોની, હાથીજણ) ને સાથે રાખી કેશ અંગે ઓડીટ કરતાં રૂપિયા ચાર લાખ સાત હજારની રકમ ઓછી જણાઈ હતી. તપાસ કરતાં બે દિવસનું સ્ટોર કલેકશન બેંકમાં જમા ન કરાવ્યાનું ખુલતાં તે અંગે જવાબદાર જીગ્નેશની પુછપરછ કરતાં તેણે એ રકમ બેંકમાં ન ભરીને પોતાના અંગત વપરાશમાં લીધા હોવાનું સ્વીકાર્યુ હતું જેને પગલે સતીષભાઈએ જીગ્નેશ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસ સટેશનમાં ઉચાપતની ફરીયાદ નોંધાવી છે.