Western Times News

Gujarati News

યુવકને છરીના ઘા મારી વાહનો સળગાવી તોડફોડ

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ શહેરના શાહઆલમના ફિરદોસ કમ્પાઉન્ડની પાનવાળી ચાલીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થતા જ ઇસનપુર પોલીસે ગાંડી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે એક શખસ હજુ પણ ફરાર છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ એક યુવકને બે દિવસ અગાઉ ચોકીદાર બાવાની દરગાહ પાસે સમાધાન માટે બોલાવી છરીઓના ઘા માર્યા હતા. આટલાથી સંતોષ ન થતા લુખ્ખા તત્વોએ ખુલ્લી છરીઓ હાથમાં લઈ તે યુવકની સોસાયટીમાં જઈ બે ટુ વ્હીલર સળગાવી દીધા અને કારના કાચ તથા દરવાજા તોડી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

શાહઆલમમાં આવેલી પાનવાળી ચાલીમાં રહેતા અને કારનું ગેરેજ ચલાવતા સંજયખાન પઠાણે આસીફ ઉર્ફે ગાંડી પઠાણ, તેનો ભાઈ વસીમ ઉર્ફે ગાંડી અને રઉફ ઉર્ફે કાલિયા, સિદીક ઉર્ફે જવાન સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વાત એવી છે કે, સંજયખાનના મોટાભાઈ ફિરોજને ગત શનિવારે રાત્રે વસીમ ઉર્ફે ગાંડીએ ફોન કરી જણાવ્યું હતું કે, તે મારા ભાઈને મારા વિશે ખોટું બોલી ભડકાવ્યો અને અમારી વચ્ચે ઝઘડો કરાવ્યો છે. હું, મારો ભાઈ આસીફ અને રઉફ ઉર્ફ કાલીયો ચોકીદાર બાવાની દરગાહ પાસે છીએ. તું અહીં આવી જા

આપણે સમાધાન કરી લઈએ. વસીમનો ફોન આવતા ફિરોજ રાત્રે જણાવેલા સ્થળ પર પહોંચ્યો હતો. તે સમયે ત્યાં હાજર આરોપીઓએ ફિરોજ સાથે ઝઘડો કર્યો અને માર માર્યો હતો. ત્યારે જ વસીમ અને રઉફે ફિરોજને પકડી રાખ્યો જ્યારે આસીફ ગાંડીએ તેની પાસેની છરી વડે ઇજાઓ કરી હતી. બાદમાં ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. ફિરોજને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાદમાં રવિવારે રાત્રે ૬થી ૭ જેટલા આરોપીઓ ફિરોજના ઘરે પહોંચ્યા હતા.

આરોપીઓએ હાથમાં ખુલ્લી છરીઓ રાખીઓ બેફામ અપશબ્દો બોલી પરિવારના સભ્યોને ઘરની બહાર આવવા ધમકીઓ આપી સોસાયટીમાં દહેશત ફેલાવી હતી. ગાંડી બંધુઓએ સાગરીતો સાથે મળી ફિરોજના બન્ને વાહનો પેટ્રોલ છાંટી સળગાવી દીધા અને કારના કાચ અને દરવાજા તોડી નાંખ્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ વીડિયો વાયરલ થતા જ ઈસનપુર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ગાંડી બંધુઓની ધરપકડ કરી છે. જાેકે, આ ઘટનામાં એક શખસ હજુ પણ ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.