પાટણ ખાતે નિર્માણાધિન વિર મેઘમાયા સ્મારક સંકુલની મુલાકાત લેતાં સાંસદ કિરીટ સોલંકી
માહિતી બ્યુરો, પાટણ :પાટણ ખાતે નિર્માણાધિન વિર મેઘમાયા સ્મારક સંકુલની વિરમેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં ચેરમેનશ્રીએ સ્થળ નિરિક્ષણ કરી કામગીરીની સમિક્ષા કરી હતી.
આજથી નવસો વર્ષ અગાઉ જનહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વિર મેઘમાયાની સ્મૃતિમાં કુલ રૂ.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રિસર્ચ સેન્ટર અને કમ્યુનિટિ હૉલ સહિતના સ્મારક સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૦૭.૪૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આપવામાં આવેલા અનુદાનથી સ્મારક સહિતનું બાંધકામ પ્રગતિમાં છે ત્યારે વિરમેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકીએ રૂબરૂ નિરિક્ષણ કરી કામગીરીની સમિક્ષા ઉપરાંત જરૂરી સુચનો કર્યા હતા.
સાંસદશ્રીની આ મુલાકાત દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, મામલતદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.