સમગ્ર વિશ્વમાં ‘શુક્ર’ના તારાનો એક ખાસ પ્રભાવ આ જગ્યાએ જ છે… જેનું નામ છે પોંડેચરી !
“પોંડેચરી ને કારણે શ્રી અરવિંદ આશ્રમ પ્રખ્યાત છે એવું નથી પણ આશ્રમને કારણે પોંડેચરી વિશ્વભરમાં જાણીતું બન્યું છે !” |
“ગુઈલોમ લી. જેન્ટીલ, ખગોળવિદ્યાનો પ્રખર અભ્યાસી જેનું પુસ્તક ‘વોયેજીસ ઈન ધ ઈન્ડિયન ઓસન’ છે. તે દ્રઢપણે માને છે કે પોડેંચરી એક રીતે ખૂબ મહત્વનું સ્થળ છે !!” |
“ધર્મ અને સંસ્કૃતિના પ્રખર ફ્રેન્ચ અભ્યાસી એન. ક્વેટીલ ડુપરો એ વર્ષ ૧૭૬૧માં ભારતથી વિદાય લીધી. તેજ વર્ષમાં એક ફ્રેન્ચ યુવાન સાહસિક અને ખગોળનો સંશોધન કાર ખાસ અભ્યાસ અર્થે દરિયાઈ માર્ગે ભારત આવેલો. જેનું નામ હતું, ગુઈલોમ લી. જેન્ટીલ. તે ચૈન્નાઈ (મદ્રાસ)થી દક્ષિણે ૧૬૦ કીલોમીટરની દૂરીએ એ વહાણમાંથી ઉતર્યો. શુક્રના તારાનું ભ્રમણ સંશોધન એના અભ્યાસનો મુખ્ય વિષય હતો. અભ્યાસના અવલોકને એ માનતો થયો કે ‘શુક્ર’નો અભ્યાસ અને નિરીક્ષણ કરવા માટે સમગ્ર પૃથ્વી પરનું એક માત્ર સ્થળ- તે આ જ જગ્યા, જ્યાં તે આવી પહોંચ્યો હતો. અભ્યાસના ફળસ્વરૂપે તેણે આગાહી કરી હતી કે, શુક્રની ભ્રમણ કક્ષામાં ૧૭૬૧ના એજ વર્ષની જૂન મહિનાની ૬ તારીખે મોટું પરિવર્તન આવશે.
જેના કારણે બંગાળના ઉપસાગરમાં મહાકાય તોફાનો થશે. તેના કિનારે અડી રહેતી વસાહતો ધરાશાયી થઈ જશે ! બન્યું પણ એવું જ ! બરાબર એજ દિવસે ઐતિહાસિક અતિવૃષ્ટિ, દરિયાનાં તોફાની વમળોના કારણે લગભગ બધુ જ ધરાશાયી બની ગયું હતું ! એમાં ગુઈલોમનાં ખગોળવિદ્યાના અભ્યાસ અંગેના સાધનો- તમામ નોંધો પણ બચ્યાં નોતા ! બચ્યો હતો તે કેવળ પોતે !… ત્યારબાદ મહામુસીબતે પોતાની નાવને ઠીકઠાક કરીને, હંકારતો, બધે ફરી વળ્યો.. પણ ક્યાંયે પોતાની નાવ લાંગરી શકે તેમ ન હોવાથી નાવને પૂર્વ દિશા બાજુ હંકારતો ગયો. અન્ય કોઈ ટાપુ ન રહયો. અને ત્યાંથી પણ પછી બીજી જગ્યાએ! એમ કરતાં કરતાં ૭ વર્ષની દરિયાઈ માર્ગની રઝળપાટ બાદ માડાગાસ્કર અને પછી ફિલીપાઈન્સ પહોંચ્યો ! શુક્રના તારાનું ગજબનું આકર્ષણ તેની મહત્વાકાંક્ષા હતી.
અને તેને કારણે વળી પાછો વર્ષ ૧૭૬૮માં ર૭ માર્ચના રોજ આ જ સ્થળે તે પાછો આવ્યો ! વર્ષ ૧૭૭૪માં તેનાં સંશોધનોના ફલસ્વરૂપે પેરીસથી એક પુસ્તક પ્રકાશિત થયું હતું. પુસ્તકનું મૂળ નામ ફ્રેન્ચમાં હતું જેનો અંગ્રેજી શાબ્દિક અર્થ ‘વોયેજીસ ઈન ધ ઈન્ડિયન ઓસન’ છે ! તે પુસ્તકમાં ખગોળવિદ્યાની ભરપૂર માહિતી છે. તે દ્રઢપણે માને છે કે સમગ્ર દુનિયામાં ‘શુક્ર’ના તારાનો એક ખાસ પ્રભાવ આ જગ્યાએ જ છે – કેવળ આ જ જગ્યાએ !…. આ જગ્યા એ જમાનામાં બ્રિટિશનાં બોંબમારા બાદ ફ્રેન્ચ હકુમત હેઠળ હતી. જે ૧૯પ૪માં ભારતના આધિપત્ય હેઠળ આવી… આ જગ્યાનું નામ છે પોંડેચરી.. જેનું બીજું નામ પુડુચેરી પણ છે ! જેનો અર્થ છે નવું શહેર ! ચૈન્નાઈથી ૧૬૦ કી.મીટરના અંતરે દક્ષિણ ભાગમાં આવેલું આ શહેર પુરાતન સમયમાં વેદપુરી તરીકે પ્રખ્યાત હતું ! મનાય છે કે આ જમાનામાં અગસ્ત્ય મુનિ અહીં રહેતા. ગુરુકુળ ચલાવતા. વેદનો અભ્યાસ થતો હતો. જેના કારણે એનું નામ વેદપુરી થયેલું ! બંગાળના ઉપસાગરને અડીને આવેલું આ શહેર આજે પંદરેકલાખની વસ્તી ધરાવે છે.
લગભગ પ૦૦ કિલોમીટરની પરિધિમાં ફેલાયેલું છે જેની પૂર્વ દિશામાં ૧૮૦ અંશના અર્ધગોળાકારે દરિયાલાલનાં દર્શન થાય છે. આજે ફ્રેન્ચ હકુમત નથી ! પણ ફ્રેન્ચ શાસન દરમ્યાન પ્રજાની વિકસેલી જીવન પ્રણાલિ, રહેણીકરણીની આભા અને ફ્રેન્ચ આર્કીટેકચરની રૂપરેખાવાળી ઈમારતો આજે જીવંત છે ! અગસત્યના કારણે, વેદાંત વિદ્યાપીઠના કારણે એ જમાનામાં ઠેરઠેર નાનાં-મોટાં મંદિરો સર્જાતા ગયાં હતાં ! જે આ પ્રજામાં ધાર્મિક સંસ્કારોના આવિર્ભાવનું સૂચક બની રહયું. મૂળ શહેર બે ભાગમાં વહેંચાયેલું રહયું છે – વચમાં કેનાલને કારણે તેના પૂર્વ વિસ્તારથી માંડીને દરિયા કિનારે આવેલી મોટાભાગની જગ્યાઓ અને વિશાળ સંકુલો આજે શ્રી અરવિંદ આશ્રમના હસ્તગત છે ! આજે પોંડેચરીને કારણે આશ્રમ પ્રખ્યાન છે એવું નથી.. પણ એમ કહી શકાય કે આશ્રમને કારણે પોંડેચરી વિશ્વભરમાં જાણીતું બન્યું છે !! લગભગ દરેક પ્રકારના ઉદ્યોગો આશ્રમ ધ્વારા ચાલે છે ! આવકનું આ મુખ્ય સાધન છે ઉપરાંત ભરપૂર ડોનેશન પણ આવે છે ! આર્થિક બાબતે આશ્રમ સ્વાવલંબી છે.
આશ્રમનાં ઘણાં ઉત્પાદનો એ પરદેશમાં પણ સારી નામના મેળવી છે ! જ્યારે શહેરીજીવનની ધાંધલ અને વ્યસ્તતાથી સહેજ અળગા થવાનું મન થાય ત્યારે અહીં થોડોક સમય આવી રહેવાનો અનુભવ લેવા જેવો છે!… આશ્રમનાં ભોજનાલયમાં ફકત રૂપિયા પચીસમાં સવારનો નાસ્તો, લંચ-ડીનર મળે છે ! ગુજરાતીઓએ ક્યારેક ચેન્નાઈથી એક દિવસ કાઢીને આવવા જેવું ખરું ! સુનામી વખતે ચેન્નાઈથી માંડીને વેલનકની સુધીના સમગ્ર દરિયાઈ પટમાં ભારે તબાહી થઈ હતી. આ સમગ્ર વિસ્તાર ૩૪૦ કિલોમીટર દરિયાકાંઠો છે. નાગાપટ્ટીમમાં તો ખૂબ તબાહી થઈ હતી. જ્યારે વેલનકન્ની ગામ આખું જળાશાયી હતું… આ બધાંયની વચ્ચે કેવળ પોંડેંચરીમાં જ નગણ્ય કહી શકાય તેટલું અને તેવું નુકશાન હતું- મનાય છે એવું કે આનું કારણ પેલો શુક્રનો તારો અને તેનો પ્રભાવ ! સંત ભૂમિ ઉપર વિશિષ્ટ પ્રકાશનો પ્રભાવ પાથરનાર શુક્ર… પોંડેચરી માટે શુકનિયાળ નીવડ્યો છે ! પોંડેચરીના પાલવરૂપે આ નાની વાત છે- પાલવ ગમે તો જાવાની મહેનત કરવી…!!
ખીડકી :
સયાજીરાવ ગાયકવાડ ક્યાંય કંઈ પણ પ્રતિભા જુએ તો સયાજીરાવ એ પ્રતિભાને પ્રોત્સાહન આપતા હતાં. ઈંગ્લંડથી સ્ટીમરમાં હિંદુસ્તાન આવતાં જહાજમાં એમને અરવિંદ ઘોષ મળી ગયા, જે ઈંગ્લંડથી ઉચ્ચ અભ્યાસ કરીને પાછા ફરી રહયા હતાં. અને એમને જ વડોદરાની કોલેજ માટે પ્રોફેસર તરીકે સયાજીરાવે જ નક્કી કરી લીધા. કનૈયાલાલ મુનશીના પ્રોફેસર અરવિંદ ઘોષ હતા ! અને સમય જતાં એજ અરવિંદ ઘોષ મહાન તત્વજ્ઞ શ્રી ઓરોબિન્દો બન્યા.
સ્ફોટક :
“મને શત્રુ કે મિત્રની ભીતિ ના હો,
અજ્ઞાત કે જ્ઞાતની ભીતિ ના હો,
ના રાત્રી કે દિવસની ભીતિ હો,
થજા દિશાઓ સહુ મિત્ર મારી
સૌ સ્થાનથી શ્રેષ્ઠ સંકલ્પ આવો
દબાય જે ના, વળી કાયે સાથે
એ જાઈ દેવ સૌ કલ્યાણ કરજા
ને રક્ષજા સાવધ નિત્ય રહીને !”- વૈદિક પ્રાર્થના !