બ્રિટનમાં ખેડૂત આંદોલનને સમર્થનના નામે ખાલિસ્તાનના ઝંડા લહેરાવાયા
લંડન,કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધનુ એલાન અપાયુ છે.બ્રિટનમાં પણ ખેડૂતોના આંદોલનને સમર્થન મળી રહ્યુ છે અને ત્યાં થઈ રહેલા દેખાવોના વિડિયો સોશ્યલ મીડિયા થકી ભારત પહોંચી રહ્યા છે.
જોકે આવા એક વિડિયોમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવોના નામે કેટલાક સમર્થકો દ્વારા ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાતો હોવાનો દ્રશ્યો જોવા મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, ઈંગ્લેન્ડના ક્રિકેટર મોન્ટી પાનેસરે આ વિડિયો શેર કર્યો છે.
આ પહેલા પણ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનીઓ ઘૂસી ગયા હોવાના આક્ષેપો થઈ ચુક્યા છે.હરિયાણા સીએમ મનોહરલાલ ખટ્ટરે પણ આંદોલનમાં ખાલિસ્તાનની માંગણી કરનારા સામેલ હોવાનો આક્ષેપ મુક્યો હતો.
દરમિયાન ક્રિકેટર મોન્ટી પાનેસરે જે વિડિયો ટ્વિટ કર્યો છે તેમાં લંડનના ભારતીય દૂતાવાસ સામે લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા નજરે પડે છે.પાનેસરે કહ્યુ છે કે, અહીંયા લોકો ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સીએમ અમરિન્દરસિંહે પણ ગૃહ મંત્રી અમિત શાહને મળીને કહ્યુ હતુ કે, આંદોલનનો વહેલો ઉકેલ લાવવામાં નહી આવે તો રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો સર્જાશે.