કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણોની સુવિધા માટે એક ખાસ કાર્યદળ બનાવાશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ કતારના આગામી રાષ્ટ્રીય દિવસ માટે મહામહિમ અમીરને શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે પ્રધાનમંત્રીનો આભાર માનતાં મહામહિમ અમીરે કતારમાં ભારતીય સમુદાય રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જે ઉત્સાહ સાથે ભાગ લે છે તેની પ્રશંસા કરી હતી. તેમણે તાજેતરના દિવાળીના તહેવાર માટે પ્રધાનમંત્રીને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
નેતાઓએ રોકાણના પ્રવાહ અને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચેના મજબૂત સહયોગની ચર્ચા કરી અને આ સંદર્ભમાં તાજેતરના હકારાત્મક વિકાસની સમીક્ષા કરી. તેઓએ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણોની સુવિધા માટે એક ખાસ કાર્યદળ બનાવવાનો નિર્ણય કર્યો અને ભારતમાં કતારી રોકાણોની પૂર્તિ માટે ભારપૂર્વક સંકલ્પ કર્યો.
નેતાઓ નિયમિત સંપર્કમાં રહેવા સંમત થયા હતા અને કોવિડ-19 રોગચાળાને લીધે થતાં જાહેર-સ્વાસ્થ્યની સ્થિતિને સામાન્ય બનાવ્યા પછી વ્યક્તિગત રૂપે મળવાની રાહ જોઈ હતી.