મ્યુનિ.આરોગ્ય વિભાગના ત્રણ ડે.હેલ્થ ઓફીસરોની શંકાસ્પદ કામગીરીઃ એક સસ્પેન્ડ
૧૦૫ ખાનગી હોસ્પિટલ પૈકી ૭૩ હોસ્પિટલ પૂર્વ, પશ્ચિમ અને ઉ.પ.ઝોનમાં
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓને સારવાર આપવા માટે જે હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે તેમાં બાળક ગેરરીતીઓ ચાલી રહ્યા હોવાના સતત આક્ષેપ થઈ રહ્યા હતા. સીમ્સ હોસ્પિટલની ફરીયાદ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપ સાચા સાબિત થયા છે. વૈશ્વિક મહામારી દરમ્યાન નાગરીકો સારવાર માટે વલખા મારી રહ્યા હતા તેવા સમયે આરોગ્ય ખાતાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તિજાેરી ભરવામાં વ્યસ્ત રહ્યા છે. કોરોના કહેર દરમ્યાન મનપામાં ફરજ બજાવતા કેટલાક ડે.હેલ્થ ઓફીસરોની કામગીરી શંકાસ્પદ રહી છે. મ્યુનિ.ઉત્તર પશ્ચિમ ઝોનના સસ્પેન્ડ થયેલ ડે.હેલ્થ ઓફીસર ઉપરાંત પશ્ચિમ અને પૂર્વ ઝોનના ડે.હેલ્થ ઓફીસરની કામગીરી મામલે પણ વિવાદ બહાર આવતો રહ્યો છે.
શહેરમાં માર્ચ મહિનાથી આતંક મચાવી રહેલા કોવિડ-૧૯થી નાગરીકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ મ્યુનિ.હેલ્થ ખાતાના કેટલાક અધિકારીઓ સ્વ-ખર્ચ કરવામાં મશગુલ રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના ડે.હેલ્થ ઓફીસર ડો.અરવિંદ પટેલના નામથી સીમ્સ હોસ્પિટલ પાસે રૂા.૧.૫૦ લાખની માંગણી ખાનગી તબીબ દ્વારા કરવામાં આવી હતી. જેની એ.સી.બી.માં ફરીયાદ અને તપાસ થયા બાદ ડો.અરવિંદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીમ્સ હોસ્પિટલ દ્વારા ફરીયાદ કરવામાં આવ્યા બાદ આ ભ્રષ્ટાચાર પર થોડા ઘણા અંશે બ્રેક વાગી શકે છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફીસરની માસ્ક પશ્ચિમ ઝોનના અધિકારીની કામગીરી પણ શંકાસ્પદ રહી છે. “હૃદય સે” કોવિડ કેર સાથે કરવામાં આવેલા કરાર તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ કોવિડ કેરને નોટિસ આપ્યા બાદ પણ તે હજી સુધી કાર્યરત છે. તથા તેના સંચાલકોને કમાવવા માટે જ કરાર કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. મ્યુ
નિ.કોર્પાેરેશનના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા ડો.ખરાડીની કામગીરી પણ વિવાદાસ્પદ રહી છે. ગોમતીપુરના કોંગી કોર્પાેરેટર ઈકબાલ શેખે તેમની વિરૂદ્ધ મ્યુનિ.કમિશનર સમક્ષ લેખિતમાં ફરીયાદ પણ કરી હતી. ગોમતીપુર વિસ્તારમાં નાગરીકોને એક્સપાયરી ડેટની દવાઓ આપવામાં આવી હોવાની ફરીયાદ થઈ હતી. તદુપરાંત કોરોના કાળમાં કોર્પાેરેટરો અને નાગરીકોના ફોન રીસીવ ન કરવા સેનેટાઈઝ માટે ખાનગી કપનીને જ કામ આપવા દબાણ કરવા જેવા આક્ષેપ પણ તેમની સામે થયા હતા.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૦૫ હોસ્પિટલો સાથે કોવિડ-૧૯ માટે કરાર કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૩ હોસ્પિટલ ત્રણ ઝોનમાં જ છે. પૂર્વ ઝોનમાં ૧૯, ઉ.પ.ઝોનમાં ૨૨ તથા પશ્ચિમ ઝોનમાં ૩૨ હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. જ્યારે કોરોનાની બીજી લહેર બાદ એટલે કે છેલ્લા ૧૫-૨૦ દિવસમાં સાત ખાનગી કોવિડ કેર સાથે એમ.ઓ.યુ.થયા છે. જે પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાર અને પશ્ચિમ ઝોનમાં ૦૨ કોવિડ કેર છે. તેમ છતાં દર્દીઓ એડમીટ થવા માટે વલખાં મારી રહ્યા હતા. આ તમામ હોસ્પિટલના બીલ અને સારવાર લીધેલ દર્દીઓના નામ-સરનામાની ફેર ચકાસણી થાય તે જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.