ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા યુવકને અઢી લાખનો દંડ
નવી દિલ્હી: તાઈવાન એક એવો દેશ છે જેની ગણતરી કોરોનાને લગભગ કાબૂમાં કરવા સંદર્ભે થાય છે. ચીનનો આ પાડોશી દેશ હોવા છતાં તાઈવાનમાં કોરોનાના કેસ નહીંવત છે. પરંતુ તાઈવાન કોરોનાના નિયમોને લઈને ખુબ જ કડક છે. હાલમાં જ એક ઘટના પરથી સમજી શકાય કે ત્યાં કેટલી કડકાઈથી કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે છે. માત્ર ૮ સેકન્ડની ભૂલ બદલ એક વ્યક્તિ પર યુએસડી ૩,૫૦૦ એટલે કે અઢી લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો. મૂળ રીતે ફિલિપાઈન્સનો વતની એક વ્યક્તિ તાઈવાનના ગાઉશુંગ શહેરની હોટલમાં ક્વોરન્ટાઈન કરાયો હતો.
તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ક્વોરન્ટાઈનના સમયગાળા દરમિયાન યુવક માત્ર ગણતરીની સેકન્ડ માટે તે પોતાના રૂમમાંથી બહાર નીકળીને હોલમાં ગયો હતો. રૂમમાંથી બહાર નીકળીને કેટલીક સેકન્ડ માટે હોલમાં આવવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદ હોટલના સ્ટાફે સ્વાસ્થ્ય વિભાગને ઘટનાની જાણકારી આપી. સ્વાસ્થ્ય વિભાગે વ્યક્તિ પર લગભગ અઢી લાખનો દંડ ફટકારી દીધો.
તાઈવાનના ક્વોરન્ટાઈન નિયમો મુજબ લોકોને પોતાના રૂમમાંથી બહાર નીકળવાની મંજૂરી અપાતી નથી. પછી ભલે ગમે તેટલા દિવસ રૂમમાં ભરાઈને રહેવું પડે. અત્રે જણાવવાનું કે ગાઉશુંગ શહેરમાં ૫૬ ક્વોરન્ટાઈન હોટલ છે. જેમાં ત્રણ હજાર રૂમ ક્વોરન્ટાઈન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. લગભગ ૨ કરોડ ૩૦ લાખની વસ્તીવાળા તાઈવાનમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત ૭૧૬ કેસ સામે આવ્યા છે. જ્યારે ૭ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તાઈવાને અન્ય દેશોની જેમ લોકડાઉન કર્યું નહતું કે દેશની અંદર પણ સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધો નહતાં લગાવ્યા.