Western Times News

Gujarati News

નર્મદાના ઓછા પ્રવાહવાળા પટમાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ પાકુ પુલીયું તંત્ર દ્વારા તોડવામાં નથી આવતું

(પ્રતિનિધિ) ભરૂચ: ઝઘડીયાના નર્મદા કિનારા પર ઝઘડીયા થી કબીરવડ જતા રસ્તામાં નર્મદાના ઓછા પ્રવાહ વાળા પટમાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા પાકું પુલીયું બનાવી દેવામાં આવ્યું છે તે કેમ જવાબદાર તંત્ર તોડી શકતું નથી. ઝઘડીયાની નર્મદા કિનારાની લીઝો વાળાઓએ બનાવેલ ગેરકાયદેસર પુલીયા તોડી નાખ્યા છે તો આને તોડવામાં તંત્ર કેમ પાછીપાની કરી રહ્યું છે તેવું ઝઘડીયા વિસ્તારના ખેડૂતો અને લીઝ સંચાલકો જણાવી રહ્યા છે.

ઝઘડીયા તાલુકામાં ખનીજ ખનન માટે કોઈ નીતિ નિયમો પાલન કરવામાં આવતા જ નથી અહીં જીસકી લાઠી ઉસકી ભેંશ તેવી હાલત છે, રેતીની લીઝો વાળા,સિલિકાની લીઝો વાળા,ક્વોરીઓ વાળા પોત પોતાની વગ નો ઉપયોગ કરી ઓવરલોડ ખનીજ વહન,પાણી નીતરતી રેતીનું વહન,રોયલ્ટી વગર ખનીજ વહન ચલાવી રહ્યા છે.

બધા પોત પોતાની વગ ધરાવી આડેધડ નર્મદાના પ્રવાહને અવરોધી પુલીયા બનાવી દીધા હતા.છેલ્લા કેટલા વર્ષોથી અહીં આવી પરિસ્થિતિ ચાલી આવતી હતી.

નર્મદાના પ્રવાહની દયનિય સ્થિતિ થવા પાછળ ગેરકાયદેસર રીતે બનાવેલ પુલીયા પણ જવાબદાર હોઈ શકે તેવું તંત્રને મોડે મોડે ખબર પડી.જેથી ઝઘડીયા ના તરસાલી, ટોથીદરા,વેલુગામમાં લીઝોવાળાઓએ બનાવેલ પુલીયા પાળા તંત્રએ મને કમને તોડી નાખ્યા.

જયારે આ પુલીયા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઝઘડીયાથી કબીરવડ જવાના રસ્તા પર નર્મદાના ઓછા પ્રવાહ વાળા પટમાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ પાકું પુલીયું તોડવા માટે રજૂઆત થઈ હતી.પરંતુ તે સમયે કબીરવડ વાળું પુલીયું તોડવામાં આવ્યું નહિ,પુલીયા તોડવાની કામગીરી કરનાર તંત્ર કબીરવડ વાળું પુલીયું તોડવામાં કેમ પાછીપાની કરી રહ્યું છે તે સમજાતું નથી,જીલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ચુપકીદી સેવી રહ્યું છે જે અચરજ પમાડે તેવું છે.

આ પુલીયુ કબીરવડ યાત્રાધામ વિકાસ નું કામ કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવામાં આવ્યું છે.આ પુલિયાનો ઉપયોગ ઓછો અને અવરોધરૂપ વધુ બની રહ્યું છે.કબીરવડના પટમાં ઉગેલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી આ પુલીયા પરથી ટ્રકો દ્વારા વહન થઈ રહ્યા છે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પુલીયા પાળા તોડવાની કામગીરીમાં બેધારી નીતિ અપનાવાઈ રહી છે તેવો સુર ઝઘડીયા પંથકમાં ઉઠી રહ્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.