અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગાંભોઇ નજીક પિલ્લર સાથે સ્કોર્પિઓ ધડાકાભેર અથડાતા અમદાવાદના ત્રણ યુવકોના કરુણ મોત
દિલ્હીથી મુંબઈને જોડતો, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર ઠેર ઠેર ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે હાઈવે પર દોડતા વાહનો ડાયવર્જનના પગલે અચાનક સામ સામે આવી જતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે ગાંભોઈ નજીક બુધવારે રાત્રે રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિઓ જીપ રોડ બાજુના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતની ઘટનાના પગલે ગાંભોઇ પીએસઆઇ જયદીપ દેસાઈ અને તેમની ટીમ સાથે દોડી આવી મૃતકોની લાશને પીએમ માટે ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક જામ પૂર્વરત કરાવ્યો હતો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધઈ નથી સ્કોર્પિઓ જીપના ડેશબોર્ડ પર પોલીસની નંબર પ્લેટ પણ મળી આવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે લોકો હજુ તો ઉંઘવાની તૈયારી કરી રહ્યા હતા અને હાઈવે પર ધડાકાભેર અવાજ થતાની સાથે જ લોકો હાઈવે પર કઈ અજુગતું બન્યું હોવાનું લાગતા હાઈવે તરફ દોટ મુકતા જ એક સ્કોર્પિયો જીપ ( કાર નંબર – જીજે-27-એપી-4486 ) રોડ બાજુમાં રહેલા પીલર સાથે અથડાઈ કડૂચાલો વળેલી હાલતમાં જોવા મળી હતી અને ૬ યુવકો બેભાન હાલતમાં આજુબાજુમાં વેરવિખેર પડ્યા હતા જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે
જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કમનસીબ મૃતક યુવાનો અમાદવાડના અમરાઈવાડી વિસ્તારના કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. સ્કોર્પિઓ જીપના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ પણ લગાડેલી હતી.
અકસ્માતની જાણ થતા ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે ત્રણ ઇજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાબડતોડ હિંમતનગર સિવિલમાં ખસેડયા હતા. જ્યારે ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિકજામ થયો હતો. પરંતુ ક્રેઇનથી ગાડી ખસેડ્યા બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો.અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.