માધુપુરામાં ઘરનાં કબ્જા બાબતે પરીવાર ઉપર એસિડ એટેક: ૪ દાઝયા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતી મહીલાએ સંબંધી પાસેથી મકાન ખરીદ્યુ હતુ જાેકે સંબંધી પુત્રોને આ બાબત પસંદ ન આવતા તે અવારનવાર મહીલાને ઘર ખાલી કરાવવા દબાણ કરતા હતા આ મામલો આટલેથી ન અટકતા શુક્રવારે વહેલી સવારે મહીલા પોતાના પરીવાર સાથે ઘરમાં સુતી હતી ત્યારે સંબંધીના પુત્રોએ વહેલી સવારે બારીમાંથી તેમનાં ઉપર એસીડ એટેક કરતાં મહીલા અને ૩ બાળકો સહીત ચાર જણાં ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે મહેંદીકુવા લાખાજી કુવરજીની ચાલી નજીક કંચનબેનની ગલીમાં રહેતા લક્ષ્મીબેન અલ્પેશભાઈ દંતાણીએ પોતાનું મકાન છ વર્ષ અગાઉ તેમના કાકા સસરા મોહનભાઈ દંતાણી પાસેથી ત્રણ લાખ રૂપિયામાં ખરીદ્યુ હતુ. જાેકે આ બાબત મોહનભાઈના પુત્રો અજય તથા વિજયને પસંદ ન પડતાં તે મકાન ખાલી કરાવવા બાબતે અવારનવાર લક્ષ્મીબેન સાથે ઝઘડો કરતા હતા.
દરમિયાન શુક્રવારે વહેલી સવારે લક્ષ્મીબેન પરીવાર સાથે ઘરમાં સુતા હતા ત્યારે ખુલ્લી બારી આગળ આવી અજયે મકાન કેમ ખાલી થતું નથી આજે તમે કેવી રીતે રહો છો. કહીને બુમો પાડતાં પરિવાર જાગી ગયો હતો પરંતુ તે કંઈ સમજે એ પહેલાં જ અજયે પોતાની સાથે લાવેલા કેરબામાંથી પરીવાર પર એસિડ છાંટતાં લક્ષ્મીબેન તેમની પુત્રીઓ વૈશાલી તથા રોશની અને પુત્ર રાહુલ ગંભીર રીતે દાઝી ગયા હતા જયારે અજય એન વિજય તેમને જાનથી મારવાની ધમકી આપી ગાળો બોલવા લાગ્યા હતા. જેના પગલે બુમાબુમ થતાં આસપાસના રહીશો જાગી જતા અજય-વિજય ત્યાંથી ભાંગી ગયા હતા જયારે ચારેયને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે માધુપુરા પીઆઈ એમ.બી બારડે જણાવ્યું હતું કે ઘટનાની ફરીયાદ મળ્યા બાદ તુરંત જ બંને હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.