Western Times News

Gujarati News

માર્ગ દુર્ઘટનામાં ૧૨નો ભોગ લેનારના જામીન ફગાવાયા

૧૫મી જુલાઈએ ટ્રકે સામેથી આવતી રીક્ષા અને બાઈકને અડફેટે લીધી હતી- કોર્ટે અકસ્માતની ગંભીર નોંધ લીધી
અમદાવાદ,   કચ્છના આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા મધ્યપ્રદેશના અને ભુજ રહેતા અનૂસૂચિત જાતિના પરિવારના સભ્યોની રીક્ષા અને બાઈકને એક ટ્રકે અડફેટે લેતા ૧૨ સભ્યોના મોત થયા હતા.  ગયા મહિનાની તા.૧૫ જુલાઈએ થયેલા અકસ્માત માટે ડ્રાઈવર અને ટ્રકના માલિકે ભુજ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જા કે, ગુનાની ગંભીરતા ધ્યાનમાં લીધા બાદ ભુજ સેશન્સ કોર્ટે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

જેને પગલે હવે આ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. માતાના મઢથી પરત ફરતા એમપીના પરિવારની રીક્ષા (જી.જે.૧૨ બીયુ ૦૫૭૧)ને સામેથી આવતા ટ્રક (જી.જે.૧૨ એ ડબ્લ્યુ ૮૮૨૯)ના ડ્રાઈવરે સામે અકસ્માત થવાની સંભાવના હોવાછતાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ગોઝારો અકસ્માત થયો હતો. આટલો ગંભીર અકસ્માત સર્જાય બાદ તે ફરાર થઈ ગયો હતો.

આ મામલે પોલીસે ૩૦૨ જેવી ગંભીર કલમ હેઠળ ટ્રકના ડ્રાઈવર રમેશ કુંભા સંજાટ અને ટ્રક માલિક જટાશંકર યાદવ વિરૂધ્ધ ભુજ કોર્ટમાં અરજી કરી હતી.

સામત્રા અને માનકુવા નજીક ડાકડાઇ ગામના પાટીયા પાસે ટ્રક, પેસેન્જર છકડા અને મોટર સાઈકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતના બનાવમાં ટ્રકે સામેથી રીક્ષાને ટક્કર મારી પાછળથી આવતી બાઇકને પણ અડફેટે લેતાં રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો અને મોટર સાઈકલ ઉછળીને રોડ પર ફંગોળાતાં બન્ને વાહનોમાં સવાર કુલ ૧૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય છ જણાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી હતી. દરમ્યાન આ બંને આરોપીઓએ ભુજ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.