રસી લીધા બાદ દરેક વ્યક્તિને ૩૦ મિનિટ નિરિક્ષણ હેઠળ રખાશે
નવી દિલ્હી: એક અંદાજ મુજબ દરેક રસીકરણ કેન્દ્રમાં એક દિવસમાં લગભગ ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ પ્રારંભ થયાના થોડા સમય બાદ સરકાર તેને ઝડપી બનાવવા માટે કોમ્યુનિટી હોલ અને તંબુઓની પણ વ્યવસ્થા કરશે. આવી દરેક જગ્યા જ્યાં કોરોના રસી આપવામાં આવશે તેને સામાન્ય રસીકરણ કેન્દ્રો કરતાં વધુ જગ્યાની જરૂર પડશે. ઉપરોક્ત માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાના મુસદ્દા તરીકે રાજ્યો સાથે વહેંચવામાં આવી છે.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અનુસાર દરેક રૂમ રસીકરણ કેન્દ્રમાં એક ચોકીદાર સહિત ૫ વ્યક્તિઓને તહેનાત કરવામાં આવશે. અને ૩ રૂમ વેઇટિંગ, રસીકરણ અને નિરીક્ષણ માટે હશે. રસીકરણની કોઈ પણ પ્રતિકૂળ અસરની આશંકાને ધ્યાનમાં રાખીને રસી લેનાર દરેક વ્યક્તિ પર ૩૦ મિનિટ સુધી નજર રાખવામાં આવશે. જાે કોઈ ગંભીર અસર થશે તો લોકોને નજીકની નિશ્ચિત કરવામાં આવેલ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવશે. કેન્દ્રના વર્કશોપમાં હાજર રહેલા રસીકરણ અધિકારી ડૉ. રજની એનએ જણાવ્યું હતું કે, સામાજિક અંતરના નિયમોનું પાલનને ધ્યાનમાં રાખીને રસીકરણ માટે ૩ રૂમ અનામત રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ડો. રજનીએ વધુમાં જણાવ્યું કે, રસીકરણની દરેક સાઇટ પર ચાર અધિકારીઓ રહેશે. અહીં નિયુક્ત કરવામાં આવેલ ચોકીદારની જવાબદારી યાદીમાં લાભાર્થીઓના નામ ચકાસવાની રહેશે અને કોવિડ-યોગ્ય વર્તણૂક સુનિશ્ચિત કરવાની રહેશે. અન્ય અધિકારીઓ સરકારી આઈ.ડી.ની તપાસ કરશે, ક્રોસ રેફરન્સ માટે સીઓ-ડબલ્યુઆઈએનમાં તેમનો ડેટા ક્રોસ વેરિફિકેશન કરી લાભાર્થીનું નામ સુનિશ્ચિત કરશે, જાે પુરુષ રસીકરણ કર્મચારી ફરજ પર હોય તેની સાથે મહિલા અટેન્ડન્ટ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે જેથી સુરક્ષિત રીતે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયાનું પાલન થાય અને સાથે સાથે રસીકરણ બાદ બાયોવેસ્ટ કચરાનું સંચાલન કરવામાં મદદરુપ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. રસીકરણ રૂમમાં એકવારમાં એક જ વ્યક્તિને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
જાેકે, વેઇટિંગ અને મોનિટરિંગ રૂમમાં એક સાથે ઘણા લોકોને બેસવાની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઘણા દેશોએ વિવિધ કંપનીઓની કોરોના રસીના કટોકટીના સમયે ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં કોરોના રસીના આપાતકાલીન ઉપયોગને આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં મંજૂરી મળી શકે છે.