બિસ્કિટ્સ, બ્રેડ્સનું ઉત્પાદન કરતી બેક્ટર્સ ફૂડનો રૂ. 540 કરોડનો IPO 15 ડિસેમ્બરે ખુલશે
મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિનો રૂ. 540 કરોડનો આઇપીઓ જાહેર ભરણા માટે 15 ડિસેમ્બર, 2020ના રોજ ખુલશે. આઇપીઓ માટે શેર દીઠ રૂ. 286-288 પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આઇપીઓમાં રૂ. 40.54 કરોડના શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 500 કરોડ એકત્ર કરવા માટે વર્તમાન શેરહોલ્ડર્સના ઓફર ફોર સેલ સામેલ છે.
જાહેર ભરણા માટે આઇપીઓ 15 ડિસેમ્બરે ખુલશે અને 17 ડિસેમ્બરે બંધ થશે. ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ બિસ્કિટ્સ માટે નવી પ્રોડક્શન લાઇનની સ્થાપના દ્વારા રાજપુરા મેન્યુફેક્ચરિંગ એકમના વિસ્તરણ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.
મિસિસ બેક્ટર્સ ફૂડ બિસ્કિટ્સ, બ્રેડ્સ અને બન જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તે ફ્લેગશીપ બ્રાન્ડ “મિસિસ બેક્ટર્સ ક્રિમિકા” અને “ઇંગ્લિશ ઓવન” હેઠળ અનુક્રમે બિસ્કિટ્સ અને બ્રેડની વિશાળ શ્રેણીનું વેચાણ કરે છે.
પ્રારંભિક શેર સેલમાં લાઇનસ પ્રાઇવેટ લિમિટેડ, મેબલ પ્રાઇવેટ લિમિટેડ, જીડબલ્યુ કોન્ફેક્શરિઝ પીટીઇ લિમિટેડ સ્ટોક્સ ઓફર કરશે. એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટિઝ અને આઇઆઇએફએસ સિક્યુરિટિઝ કંપનીના આઇપીઓનું સંચાલન કરશે. ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થશે.