આંદોલનમાં રાજકારણ ભળે એટલે તેનો અનિર્ણિત અંત નિશ્ચિત
ઉદ્યોગપતિઓની કૃષિ પેદાશોમાં એન્ટ્રીથી ખેડૂતો આક્રમક મૂડમાં: કેટલાક ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા પણ તૈયાર ન થતાં શંકાના દાયરામાં :પંજાબ, હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની સરહદ પર ધામા નાંખી દિનપ્રતિદિન આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપી રહયા છે ત્યારે હવે તેમાં રાજકારણ ભળવા લાગ્યું છે :કોંગ્રેસે ખેડૂતોના આંદોલનમાં ઝંપલાવવાનો કરેલો પ્રયાસ: ડાબેરીઓની મજબુત પક્ડ
કૃષિ બીલમાં સુધારા કરવા માટે સરકારે દર્શાવેલી તૈયારી છતાં આંદોલન ચાલુ રહેતા દેશભરમાં વ્યાપક ચર્ચા: પ્રદર્શનમાં જેલમાં કેદ કેટલાક લોકોના ફોટા સાથેના બેનરો પણ જાેવા મળ્યા
જગત નો તાત ગણાતા ખેડૂતો માટે તમામ રાજય સરકારો અને કેન્દ્ર સરકાર ચિંતિત હોય છે ખેડૂતોના લાભાર્થે અનેક યોજનાઓ અમલમાં મુકવામા આવતી હોય છે આ ઉપરાંત દુષ્કાળ અને અતિવૃષ્ટિના સમયમાં પણ સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઉભેલી જાેવા મળતી હોય છે. સાથે સાથે ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ભાવ મળે તે માટેનું તંત્ર પણ ગોઠવાયેલું છે અને તેમાં સુધારા વધારા પણ કરવામાં આવી રહયા છે. ખેડૂતોના હિતમાં તમામ સરકારો સતત ખેડૂતલક્ષી નિયમોને વધુ અસરકારક બનાવતી હોય છે કેન્દ્રમાં ભુતકાળની યુપીએ સરકારે પણ ખેડૂતોના લાભાર્થે કૃષિ કાયદાઓમાં ફેરફાર કરવાનું નકકી કર્યું હતું અને ચુંટણી સમયે કોંગ્રેસે વચન પણ આપ્યું હતું.
જાેકે ત્યારબાદ કેન્દ્રમાં એનડીએનું શાસન આવતા લોકસભા અને રાજયસભામાં બહુમતીથી કૃષિ બીલ પસાર કરાયું છે. કૃષિ બીલ પસાર થતાં જ પંજાબ, હરિયાણા સહિતના ઉત્તર ભારતના કેટલાક રાજયોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને કૃષિ બીલ પરત લેવાની માંગ સાથે આંદોલનના મંડાણ થયા હતાં ધીમે ધીમે આંદોલન ઉગ્ર બનવા લાગતા કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી અને આજે દિલ્હીની સરહદ પર હજારો ખેડૂતો ધામા નાંખીને બેઠા છે. સરકારના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠકો પણ યોજાઈ છે પરંતુ બંધ બારણે યોજાતી આ બેઠકો નિષ્ફળ ગઈ છે.
દિવસો પસાર થતાં ખેડૂત આંદોલનમાં હવે રાજકારણ ભળવા લાગ્યું છે કેટલાક ખેડૂત નેતાઓ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે અને આ નેતાઓ કોઈપણ કારણ બતાવ્યા વગર સરકાર સાથે સમાધાન કરવાના મુડમાં નથી. એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં દેશમાં વધુ ઉગ્ર આંદોલન કરવાનો તખ્તો ઘડાયો છે.
કૃષિ આંદોલનમાં રાજકારણ ભળતા જ તથા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન જેલમાં કેદ કેટલાક લોકોના ફોટા સાથેના બેનરો પ્રદર્શિત કરવામાં આવતા અને આ તમામને મુકત કરવાની માંગણી રજુ થતાં જ દેશભરમાં તેના પ્રત્યાઘાતો પડયા છે. ખાસ કરીને એનઆરસી બીલમાં કેટલાક લોકોને પકડવામાં આવ્યા છે આ તમામની મુક્તિ માટે આ ખેડૂત નેતાઓ આગ્રહ રાખી રહયા છે જે ચિંતાનો વિષય છે. આમ ખેડૂતોના આંદોલનમાં રાજકારણ ભળતા હવે આંદોલનકારી નેતાઓ સામે અનેક સવાલો ઉભા થઈ ગયા છે અને લોકોમાં ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
ભારત દેશ ખેતી પ્રધાન છે અને ખેડૂતો અથાગ મહેનત બાદ કૃષિ ઉપજ કરતા હોય છે ભારત દેશમાં ખેડૂતોને ઉંચો હોદ્દો આપવામાં આવ્યો છે અને તેને જગતનો તાત કહેવામાં આવે છે. ભારત આઝાદ થયા બાદ દેશમાં ખેડૂતોની સુખાકારી તથા તેમના આબાદ માટે અનેક કાયદાઓ ઘડાયેલા છે અને સમયાંતરે તેમાં સંશોધન પણ કરવામાં આવતા હોય છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષોથી ખેડૂતો માટે અનેક નવા કાયદાઓ બનાવવામાં આવી રહયા છે. રાજય સરકારો પણ ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ જાહેર કરતી હોય છે. કપરા કાળમાં ખેડૂતો માટે પેકેજ પણ જાહેર કરવામાં આવે છે.
ખેડૂતોને સમયસર બિયારણ મળી રહે તે માટેની વ્યવસ્થા દેશભરમાં ગોઠવાયેલી છે સાથે સાથે સિંચાઈ માટેનું પાણી પણ મળી રહયું છે. સિંચાઈ માટે વીજળી પણ હવે પુરતા પ્રમાણમાં ખેડૂતોને મળવા લાગી છે જેના પરિણામે દેશમાં કૃષિ પેદાશોમાં સતત વધારો થઈ રહયો છે. પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં ચોમાસા સહિતની સીઝનો અનુકુળ હોવાથી આ રાજયોમાં મોટા પ્રમાણમાં ઘઉં, ચોખા સહિતના પાકો મબલખ પ્રમાણમાં ઉત્પાદિત છે અહીંના ખેડૂતો પણ ભારે જહેમત ઉઠાવી ખેતી કરતા હોય છે.
કેન્દ્રમાં એનડીએની સરકાર આવતાં જ કૃષિ બીલ પાસ કરવામાં આવ્યું છે અને આ કૃષિ બીલ સામે ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે પ્રારંભમાં પંજાબમાંથી કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો અને થોડા દિવસમાં જ આયોજનબદ્ધ રીતે કેટલાક ખેડૂત નેતાઓ આગળ આવ્યા હતા ખેડૂત આંદોલનને વ્યાપક પ્રમાણમાં સમર્થન મળતાં ખેડૂતોએ આંદોલન ઉગ્ર બનાવ્યુ છે. પંજાબ અને હરિયાણામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી અને દિલ્હીની સરહદ પર ખેડૂતોએ ડેરા તંબૂ તાણી દીધા છે. કૃષિ બીલમાં એમએસપીની સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. જાેકે સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે વર્તમાન એમએસપીની પધ્ધતિમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ છતાં ખેડૂતો આ મુદ્દે વિરોધ કરી રહયા છે.
ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આક્રમક બનીને દિલ્હીની બહાર ઉગ્ર પ્રદર્શન કરી રહયા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ આંદોલનમાં કેટલીક ચોંકાવનારી કાર્યવાહી થતાં લોકોમાં હવે ખેડૂતોનું આંદોલન ચર્ચાસ્પદ બનવા લાગ્યુ છે. કૃષિ બીલ પરત ખેંચવાની માંગણી સાથે ખેડુતો દિલ્હી તરફ આગળ વધ્યા હતાં બીજીબાજુ સરકારે ખેડુત પ્રતિનિધિઓને ચર્ચા કરવા માટે સતત બોલાવતા હતા અને બંને પક્ષો વચ્ચે મીટીંગો પણ યોજાઈ છે. આ મીટીંગમાં સરકારે ખેડૂતો પાસે કૃષિ બીલમાં જે મુદ્દે વિરોધ હોય તે મુદ્દા અંગે સ્પષ્ટતા પણ માંગી હતી પરંતુ આ ચર્ચામાં કોઈ ઠોસ પરિણામ નહી આવતા તમામ બેઠકો અનિર્ણાયક સાબિત થઈ હતી.
ખેડૂત આંદોલનના કારણે સરકાર સતત ચિંતિત છે ત્યારે બીજીબાજુ બ્રિટન, કેનેડા, અમેરિકા સહિતના દેશોએ ખેડુત આંદોલનને જલ્દીથી સમેટી લેવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું છે પરંતુ કેન્દ્ર સરકાર સંપુર્ણપણે કૃષિ બીલ પરત નહીં ખેંચવાના મુડમાં છે. ખેડુત આંદોલનમાં કેટલાક ખેડુત નેતાઓ ચર્ચાસ્પદ બનવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડુત આંદોલનમાં દેખાવ કરી રહેલા નાગરિકોના હાથમાં કેટલાક બેનરો જાેવા મળી રહયા છે આ બેનરોમાં દર્શાવેલી વ્યક્તિઓ હાલ જેલમાં છે અને તેમની મુક્તિ માટેની માંગણી સાથેના આ બેનરો છે.
ખેડુત આંદોલનમાં આ મુદ્દો બહાર આવતા સરકાર ચોંકી ઉઠી છે.
ખેડુત નેતાઓમાં કેટલાક નેતાઓ ડાબેરી વિચારસરણી ધરાવનાર છે અને તેઓએ ભારતમાં ખેડુત આંદોલન દેશવ્યાપી બનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે અગાઉ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ ખેડુત આંદોલનમાં રાજકારણ ભળતા ભારત બંધ નિષ્ફળ પુરવાર થયું હતું કેટલાક વિસ્તારોમાં જ ભારત બંધની અસર જાેવા મળતી હતી. હવે જયારે ખુલીને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો ખેડુત આંદોલનમાં જાેડાઈ ગયા છે ત્યારે આંદોલનના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
કૃષિ આંદોલનને ઉગ્ર બનાવવા માટે ડાબેરીઓએ દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે અને આ અંગેની ગુપ્ત માહિતી ગુપ્તચર વિભાગને મળી ગઈ છે આ બધી ગતિવિધિઓ જાેતા હવે કેન્દ્ર સરકાર પણ કોઈ નક્કર પગલાં ભરે તેવુ ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે.
ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે રાજકીય પક્ષો ઉપરાંત કેટલાક રમતવીરો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો ખુલીને બહાર આવી ગયા છે. કેટલાક લોકોએ ચંદ્રકો પણ પરત કરી દીધા છે જાેકે કેન્દ્ર સરકાર કૃષિ બીલ સંપુર્ણપણે પરત નહીં ખેંચે તેવો સ્પષ્ટ નિર્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધો છે આ પરિસ્થિતિમાં હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાશે તે અંગે અનેક અટકળો સેવાઈ રહી છે.