50 ટકાથી વધુ વાહનો વીમા વગર સડક પર દોડે છે: ઇન્સ્યોરન્સ ઇન્ફર્મેશન બ્યૂરો (IIB)નો ચોંકાવનારો અહેવાલ
નવી દિલ્હી, દેશની સડકો પર દોડતા પચાસ ટકાથી વધુ વાહનો વીમા વગર દોડે છે. આવાં વાહનોમાં સૌથી વધુ સંખ્યા ટુ વ્હીલર્સની હોવાનું જાણવા મલ્યું હતું.
ઇન્સ્યોરન્સ ઇન્ફર્મેશન બ્યૂરો (IIB)એ પ્રગટ કરેલા રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ પંદર રાજ્યો એવાં છે જ્યાં 60 ટકાથી વધુ વાહનધારકોએ વીમો ઊતરાવ્યો નથી.
આમ તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટુ વ્હીલર કે કારનો વીમો દરેક ધારક પાસે હોવો ફરજિયાત છે. પરંતુ IIBના માર્ચ 2019ના રિપોર્ટ મુજબ પચાસ ટકાથી વધુ વાહન ધારકો પાસે વીમો નથી. એટલે અકસ્માત થાય ત્યારે વાહનચાલક ત્યાંથી વહેલી તકે ભાગી જવામાં પોતાનું હિત સમજતા હતા.
2019 સુધીના માર્ચના અહેવાલ મુજબ દેશની સડકો પર દોડતા કુલ સત્તાવન ટકા વાહનો પાસે વીમો નહોતો. એ સમયગાળામાં દેશની સડકો પર કુલ 23 કરોડ 12 લાખ વાહનો દોડતાં હતાં. 2018માં 54 ટકા વાહનધારકો વીમો ધરાવતા નહોતા.