કોરોના મહામારીમાં પણ અમદાવાદીઓ બેદરકારઃ માસ્ક ન પહેરી રૂા.૨૭ કરોડ દંડ ભર્યો
પોલીસ વિભાગે રૂા.૧૮.૪૦ કરોડ મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૯ કરોડનો દંડ વસૂલ કર્યાે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા નવા માસ દરમ્યાન કોરોનાના ૫૦ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. જે પૈકી ૪૫ હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ૨૧૭૯ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ ૨૫૦૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા અત્યંત ચોંકાવનારી છે. તેમ છતાં શહેરીજનો હજી સુધી કોરોનાની ગંભીરતા સમજી શક્યા નથી. કોરોનાથી રક્ષણ મેળવવા માટે હાલ “માસ્ક એ જ વેક્સીન” છે તે બાબત સરકાર દ્વારા દરરોજ ઢોલ વગાડીને નાગરીકોને સમજાવવામાં આવે છે તેમ છતાં સ્માર્ટસીટીના નાગરીકો બેદરકાર સાબિત થયા છે. તથા રાજ્ય સરકારના જાહેરનામાના ભંગ બદલ નવ મહિનામાં રૂા.૨૨ કરોડ જેટલી રકમ દંડ પેટે ભરપાઈ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ગત સપ્તાહ દરમ્યાન માત્ર બે બે દિવસમાં જ જાહેરનામા ભંગ બદલ પોલીસ વિભાગે રૂા.બે કરોડ કરતા વધુ રકમના દંડની વસુલાત કરી હતી. મ્યુનિ.કોર્પાેરેશને પણ નવ મહિનામાં રૂા.ચાર કરોડનો વસુલ કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમજ નાગરીકોની સારવાર માટે અબજાે રૂપિયાનો ખર્ચ પણ થયો છે. તેની સામે નાગરીકો તરફથી પૂરતો સહકાર મળતો નથી. તથા માસ્ક પહેરવા, જાહેરમાં ન થૂંકવા તેમજ લોકડાઉન-કરફ્યુ અંગેના જાહેરનામાનો અમલ નાગરીકો કરતા નથી. નાગરીકો માસ્ક તે માટે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં શહેરીજનો માસ્ક પહેરવા મામલે બેદરકાર રહ્યા છે. તેમજ માત્ર રૂા.૧૫-૨૦ની માસ્ક ન પહેરીને રૂા.એક હજાર સુધીનો દંડ ભરી રહ્યા છે. સાથે સાથે કોરોના સંક્રમણ પણ વધારી રહ્યા છે.
માર્ચ મહિનાથી ડીસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી માસ્ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા તેમજ લોકડાઉન-કરફ્યુભંગ જેવા કારણોસર નાગરીકો સામે અનેક ફરીયાદો થઈ છે. તથા દંડની વસુલાત પણ કરવામાં આવી છે. શહેર પોલીસ વિભાગે છેલ્લા નવ મહિનામાં નાગરીકો પાસેથી રૂા.૧૮.૫૦ કરોડની રકમ દંડ પેટે વસુલ કરી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ સમયગાળા દરમ્યાન જાહેરનામા ભંગ બદલ ૩૬ હજાર તથા માસ્ક ન પહેરવા બદલ ૩.૨૫ લાખ જેટલી ફરીયાદ થઈ છે. ડીસેમ્બર મહિનાની નવ અને દસ તારીખે માત્ર બે દિવસમાં જ રૂા.૨.૪૫ કરોડનો દંડ કાયદાના ઉલ્લંઘન બદલ નાગરીકોએ ભરપાઈ કર્યા છે.
રાયના અન્ય શહેરોમાં પણ નાગરીકો બેદરકારી દાખવી રહ્યાં છે. રાજ્યમાં જૂન મહિનાથી ૧૦ ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરવા તથા જાહેરમાં થુંકવા બદલ ૨૨ લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. રાજ્ય પોલીસ વિભાગે આ સમયગાળા દરમ્યાન દંડનીય કાર્યવાહી કરીને રૂા.૧૦૧ કરોડના દંડની વસુલાત કરી છે. કોરોના મહામારીના આગમન બાદ ક્વોરેન્ટીન ભંગ બદલ ૬૬ હજાર લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કરફ્યુ નિયમના ભંગ બદલ પાંચ લાખ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેની સામે રૂા.૫૬ કરોડના દંડની વસૂલાત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા પણ જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશને માર્ચથી ડીસેમ્બર મહિના સુધી જાહેરમાં થુંકવા તથા માસ્ક ન પહેરવા બદલ રૂા.દસ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી જાહેરમાં થુંકવા બદલ ૬૯૪૯ કેસ કરી રૂા.૨૭.૨૫ લાખનો દંડ લેવામાં આવ્યો હતા.ે જ્યારે માસ્ક ન પહેરવા બદલ ૧,૪૬,૩૯૪ કેસ કરી રૂા.૪.૪૫ કરોડનો દંડ લેવામાં આવ્યો હતો. જ્યારે ડીસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી માસ્ક ન પહેરવા બદલ કુલ ૪.૮૫ લાખ કેસ કરવામાં આવ્યા છે. જાહેરમાં થુંકવા બદલ ૩૬ હજાર કેસ કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશને છેલ્લા નવ મહિનામાં જાહેરનામા ભંગ બદલ નવ કરોડની રકમ દંડ પેટે વસૂલ કરી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.